15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ શું થયું

  • 15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ શું થયું

અમદાવાદ :વિવેક દાસ ધોરણ 10માં અભ્યાસ કરતો એક 15 વર્ષીય વિદ્યાર્થી છે, જેણે છેલ્લા 5 મહિનાથી પોતાના 12 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા આખરે વિવેક દાસના ભાઈનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન થયું છે. એક મહિના પહેલા વિવેકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સાથે કરેલી મુલાકાત રંગ લાવી છે અને 31 જુલાઈ સુધીમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ મેળવી લેવા માટેનો પત્ર વિવેક દાસ સુધી પહોંચ્યો છે.

છેલ્લા 5 મહિનામાં વિવેક દાસ સચિવાલય ખાતે મદદ માંગતો નિ:સહાય બાળક તરીકે નજર આવતો હતો. વિવેકે તેના ભાઈ અને બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ, જુદા જુદા ધારાસભ્યો, સાંસદો અને ભાજપના પદાધિકારીઓને સાથે મુલાકાત કરી હતી. તમામે પ્રવેશ અપાવી દેશે તે માટે સાંત્વના આપી હતી. પરંતુ તેના ભાઈ-બહેનના કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશને લઈને મળતી સાંત્વનાઓ ખોટી સાબિત થઈ જતી હતી. તમામે ખાતરી તો આપી હતી પરંતુ કોઈ વિવેકના ભાઈ અથવા બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ના અપાવી શક્યું. લોકસભા ચૂટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાનપુરમાં સભા સંબોધવા આવ્યા હતા, ત્યારે પણ વિવેક ત્યાં પીએમને મળી વિનંતી કરવા પહોંચ્યો હતો. પરંતુ ત્યારે ભાજપના પદાધિકારીઓએ તેને સમજાવીને મોકલી દીધો હતો અને પોલીસે તેને ત્યાંથી બહાર મોકલ્યો હતો. પરંતુ આખરે એક મહિના પહેલા મનુસખ માંડવીયા સાથે વિવેકે મુલાકાત કરી હતી, જેમાં તેના ભાઈ અથવા બહેનમાંથી કોઈ એકને પ્રવેશ આપવામાં મદદ કરાશે તેવી સાંત્વના આપવામાં આવી હતી. જે આખરે સાચી સાબિત થઈ છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની મદદથી કેન્દ્રીય પ્રધાન મનસુખ મંડવીયાએ વિવેકનું સ્વપ્નું પૂર્ણ કરવામાં મદદ કરી છે. જેના પરિણામરૂપે વિવેક દાસના 12 વર્ષીય ભાઈને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો છે.