આતંકી હુમલાના એલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા ડબલ કરાઈ

  • આતંકી હુમલાના એલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા ડબલ કરાઈ

અમદાવાદ :જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા આતંકીઓના પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને સૈન્ય સ્થળો પર હુમલો કરવાનું ષડયંત્ર પણ જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે દેશભરના અનેક રાજ્યો એલર્ટ પર મૂકી દેવાયા છે. ગુજરાત,  દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે આતંકી હુમલાના અલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર બમણી સુરક્ષા-વ્યવસ્થા તૈનાત કરી દેવાઈ છે. 

 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 કરાયા પછી અને ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગરિક વિમાનન મંત્રાલયે કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે. બ્યૂરો ઓફ સિવિલ એવિયેશને માર્ગદર્શિકા જાહેર કરી દેશના 19 એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવા જણાવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સમગ્ર એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.