દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ લીધી ગુજરાત-રાજસ્થાનના એરફોર્સ સ્ટેશનની મુલાકાત

  • દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ લીધી ગુજરાત-રાજસ્થાનના એરફોર્સ સ્ટેશનની મુલાકાત

અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ આજે ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા એરફોર્સના વિવિધ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે વિવિધ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથેનાં દ્વીપક્ષીય સંબંધોમાં કાપ મુકવાની જાહેરાત કરી છે. આ સાથે જ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસનું સંચાલન પણ બંધ કરી દીધું છે. 

રાજસ્થાન-પંજાબ સરહદ પરથી આતંકવાદીઓની ઘુસણખોરીની સંભાવનાઓ પણ વધી ગઈ છે. બંને રાજ્યની સરહદ પર અત્યારે સ્થિતિ અત્યંત તનાવપૂર્ણ જોવા મળી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સરહદી દળોને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને દક્ષિણ-પશ્ચિમ એરકમાન્ડના એર માર્શલ એચ.એસ. અરોરાએ (AVSM, ADC, એર ઓફિસર કમાન્ડીંગ-ઈન-ચીફ) ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા ભારતીય વાયુદળના વિવિધ એર-બેઝની મુલાકાત લીધી હતી.