અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ લાંભામાં 200 ફૂટ રોડ બેસી ગયો

  • અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ લાંભામાં 200 ફૂટ રોડ બેસી ગયો

અમદાવાદમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે આટલા સામાન્ય વરસાદમાં પણ લાંભા વિસ્તારમાં 200 ફૂટનો રોડ બેસી ગયો હતો. જેમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. 

લાંભા વિસ્તારના ઓમ શાંતિનગર પાસે ડ્રેનેજ લાઈનનું કામ થયા બાદ પુરાણ કરવામાં આવેલું હતું. આ માટીપુણા સામાન્ય વરસાદમાં નીચે ઉતરી ગયું હતું અને એક સ્કૂલવાન તેમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનક કોર્પોરેટર દોડી આવ્યા હતા અને તેમણે અધિકારીઓને બોલાવીને આ સ્થળે પુરાણ કરાવ્યું હતું. 

શહેરમાં સવારથી જ હળવા-મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના પરિણામે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેજલપુર, જીવરાજપાર્ક, વાસણામાં પાણી ભરાઈ જવાની ફરિયાદો જાણવા મળી છે. શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પણ પાણી ભરાયાના સમાચાર છે. સામાન્ય વરસાદમાં જ અનેક સ્થળે રોડ ધોવાઈ જતાં, ખાડા પડી જતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને AMCની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.