રશિયામાં રૂપાણી: રશિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ભાગી દારીથી ગુજરાતને થશે લાભ

  • રશિયામાં રૂપાણી: રશિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ભાગી દારીથી ગુજરાતને થશે લાભ

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રુપાણીની રશિયા પ્રવાસની બીજા દિવસે વિવિધ બેઠકો યોજાઇ હતી. જેમાં ભારત- રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વિકાસ દ્રષ્ટિકોણની રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાતની ભાગીદારી પર વિશેષ જોર આપવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડાયમંડ ઉદ્યોગની ભાગીદારી મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રશિયાના રફ ડાયમંડના એકસપોર્ટમાં અગ્રેસર પ્રાંત સાથે ગુજરાતે એમઓયુ પણ કર્યા છે જેથી કરીને તેનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લાભ મળી શકે. સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે તેવો મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે  ગુજરાતના ૨૮ જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંબોધન કર્યું હતું . જેમાં તેમણે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. પાછલા સાત દસકથી રશિયા સાથે ભારતના સંબંધો ભાવનાત્મક રહ્યા છે.