નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાયા, કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા

  • નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલાયા, કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા

નર્મદા જિલ્લાના નર્મદા અને કરજણ સિવાયના અન્ય બે ડેમો સાગબારા તાલુકાના કાકડીઆંબા તથા ચોપડવાવ ડેમ છલકાયા છે. કાકડીઆંબા ડેમ તેની 187.71 મીટરની પૂર્ણ સપાટી વટાવીને 187.76 મીટરે થતા 6 વર્ષ બાદ પુનઃ છલકાયો છે. હાલમાં આ ડેમ 5 સે.મી.થી ઓવરફલો છે અને ડેમમાં 211 કયુસેક પાણીની જાવક ચાલુ છે. તો બીજી તરફ આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલવામાં આવ્યા છે.

 

સરદાર સરોવર નર્મદા ડેમનાં 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલની નર્મદા ડેમની જળ સપાટી 131.83 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 1,02,508 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાંથી 1,02,280 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. કેનાલ હેડના 2 ટર્બાઇન ચાલુ છે.

 

કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 9.37 મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના 15 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. ચોપડવાવ ડેમ તેની 187.40 મીટરની પૂર્ણ સપાટી વટાવીને 187.45 મીટરે થતા ચોપડવાવ ડેમ બે વર્ષ બાદ પુનઃ છલકાયો છે.