ઓટો ઈન્ડસ્ટ્રીઃ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

  • ઓટો ઈન્ડસ્ટ્રીઃ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાથી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે અને હવે આ મંદી વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. દેશના ઓટો ઉદ્યોગમાં લગભગ બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ મહિનામાં વેચાયેલી 2,90,391 યુનિટ કારની સરખામણીએ આ મહિને 2,00,790 વાહન જ વેચાયા છે. પેસેન્જર કાર સેગમેન્ટમાં આ ઘટાડો 35.95 ટકાનો નોંધાયો છે. 

જુલાઈ, 2018માં વેચાયેલા 79,063 યુનિટની સરખામણીએ જુલાઈ, 2019માં યુટિલિટી વ્હિકલનું વેચાણ 67,030 યુનિટ થયું હતું, જે 15.22 ટકાનો ઘટાડો દર્શાવે છે. વેન સેગમેન્ટના વેચાણમાં તો 45.58 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

દેશના ઓટો ઉદ્યોગમાં 19 વર્ષ બાદ આટલી મોટી મંદી જોવા મળી રહી છે. છેલ્લે વર્ષ 2000માં પેસેન્જર વાહનોના વેચાણમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો અને એ સમયે ઓટો બજાર 35 ટકા જેટલું તુટ્યું હતું. એ સમયે પેસેન્જર કારમાં 39.86 ટકા જેટલું વેચાણ ઘટી ગયું હતું.