વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

  • વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
    વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. જોકે હોસ્પિટલના તબીબો સહીત સ્ટાફના અન્ય માણસોએ સમયસુચક્તા વાપરી એનઆઇસીયુમાં રહેલા બાળકોને તાત્કાલીક બહાર કાઢી અન્ય વોર્ડમાં શીફ્ટ કર્યાં હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ પણ બાળકને નુકશાન પહોંચ્યું ન હોવાનુ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડ-17ના એનઆઇસીયુમાં 35 જેટલા બાળકોને સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં આજે બપોરે એનઆઇસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા વળી જતા હોસ્પિટલમાં હાજર તબીબો, નર્સ અને અન્ય સ્ટાફના માણસો પોતાનો જીવ જોખમમાં મુકી બાળકોને બચાવવામાં લાગી ગયાં હતા. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાતો હોવા છતાં તબીબો અને અન્ય કર્મીઓ એનઆઇસીયુમાં દોડી જઇ બાળકોને બહાર કાઢી રિક્ષા અને એમ્બ્યૂલન્સમાં બેસાડી હોસ્પિટલના બેબી રૂમ તેમજ તાત્કાલીક વિભાગમાં લઇ જવાયાં હતા.