મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

  •  મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
    મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ અને ભારત સહિત વિશ્વનાં અનેક લોકોનાં લોકલાડિલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી.  પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા લખ્યું કે, "ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન કે જેઓ બે પેઢીઓથી ભારતીય લોકોને સતત મનોરંજન કરાવી રહ્યા છે તેમની 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. ભારત સહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય આ બાબતથી ખુશ છે. શ્રીમાન અમિતાભ બચ્ચનને મારા હૃદયપૂર્વક અભિનંદન." ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને ફિલ્મ 'સાત હિન્દોસ્તાની' સાથે બોલિવૂડમાં શરૂઆત કરી હતી. અનેક નિષ્ફળ ફિલ્મો પછી 'ઝંઝીર' ફિલ્મમાં તેમના એન્ગ્રી યંગમેનની ભૂમિકાએ તેમને સફળતા અપાવી હતી અને તેઓ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા હતા. ધર્મેન્દ્ર સાથેની તેમની ફિલ્મ 'શોલે'એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આજે પણ આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મ કહેવામાં આવે છે.