કાલે કાગવડથી ખોડલધામ પદયાત્રા: ધ્વજારોહણ કરાશે

રાજકોટ તા.27
29 સપ્ટેમ્બરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા નીકળશે. આ પદયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભકતો જોડાશે અને ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી આર્શીવાદ લેશે.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત નવમાં વર્ષે 29 પ્રથમ નોરતે કાગવડની ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. ખોડલધામ ટ્રસ્ટે 2011થી આસો મહિનાના પ્રથમ નોરતે ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 29 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકેકાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પણ જોડાશે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાશે.
આ વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદયાત્રાના માર્ગને સુશોભિત કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં રાસ-ગરબે રમી શકે તે માટે વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટના ચાર ઝોનમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.