મોરારીબાપુ વિશે ટીપ્પણી કરનાર સુરતનાં સ્વામીને નોટિસ ફટકારાઈ

પોરબંદર,તા.3
સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ મોરારીબાપુ વિશે ટીપ્પણી કરતા પોરબંદરના મોરારી બાપુના ભક્ત દ્વારા એડવોકેટ મારફતે નોટિસ પાઠવવામાં આવી છે અને લેખિતમાં માફી માંગવા જણાવ્યું છે, માફીપત્ર નહીં અપાય તો કોર્ટમાં ફોજદારી ફરિયાદ પણ કરી દેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે નોકરી કર્યા બાદ હાલ નિવૃત જીવન ગાળતા અને કીર્તિમંદિર પાછળ રહેતા દયારામભાઈ જેરામદાસ ગોંડલીયાએ તેમના એડવોકેટ દિપકભાઈ લાખાણી મારફતે સુરત રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના શ્રી વિશ્ર્વવલ્લભદાસજી સ્વામીને નોટિસ પાઠવતા જણાવ્યું છે કે મોરારી બાપુને તેઓએ
ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા છે
અને સુરત મુકામે મહાભારતની કથાનું આયોજન સ્વામી વિશ્ર્વવલ્લભદાસજી દ્વારા થયું ત્યારે મોરારી બાપુનું અપમાન થાય તેવી રીતે અથવા તો તેમને નીચા પાડવાના આશયથી ટીપ્પણીઓ કરી હોય તેવું જણાતું હતું. મોરારીબાપુની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે આ વાક્યો ઉચ્ચારવામાં આવ્યા છે અને તેની કેસેટ પણ બહાર પાડવામાં આવી છે. તેથી બદનક્ષી થાય તેવું જણાઈ રહ્યું છે. આ કૃત્ય ભારતીય દંડ સંહિતાની કલમ 500 અને અન્ય જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર ગુન્હો કરેલ હોવાનું જણાવી સ્વામી દ્વારા નોટિસ મળ્યેથી 10 દિવસમાં લેખિત રીતે મોરારી બાપુની માફી માંગતો પત્ર બાપુને અને એક પત્ર અરજદારને મોકલી આપવા જણાવ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે જો યોગ્ય નહીં થાય તો ધોરણસરની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરવાની પણ જરૂર પડશે તેમ જણાવાયું છે.