T20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ

  • T20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ
    T20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ

નેલ્સન (ન્યૂઝીલેન્ડ): ન્યૂઝીલેન્ડે મંગળવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો હતો. આ રોમાંચક મેચમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. સિરીઝનો ચોથો મુકાબલો 8 નવેમ્બરે નેપિયરમાં રમાશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ સાત વિકેટ પર 166 રન બનાવી શકી હતી.  કોલિન ડી ગ્રાન્ડહોમને તેની શાનદાર અડધી સદીની ઈનિંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલ (33)એ આક્રમક શરૂઆત અપાવી અને યજમાન ટીમનો સ્કોર 4 ઓવરમાં 40ને પાર પહોંચાડ્યો હતો. તે પેટ બ્રાઉનનો શિકાર બન્યો હતો. અહીંથી ઈંગ્લેન્ડના બોલરોએ ટીમને વાપસી કરાવી અને એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટ પર 69 રન કરી દીધો હતો. ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો (6) અને ટિમ સિફર્ટ (7) ઝડપથી આઉટ થઈ ગયા હતા.  ન્યૂઝીલેન્ડને કોલિન ડી ગ્રાન્ડહોમે સંભાળ્યું હતું. તેણે અનુભવી રોસ ટેલર (27)ની સાથે મળીને 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. 135ના સ્કોર પર ગ્રાન્ડહોમ (55) આઉટ થયો હતો. અંતમાં જેમ્શ નીશામ (20) અને મિશેલ સેન્ટનર (15)એ ટીમનો સ્કોર 180 સુધી પહોંચાડ્યો હતો.