જાપાનની કંપનીએ કર્મચારીઓને આપી દર અઠવાડિયે ત્રણ દિવસની રજા અને થઈ ગયો જાદુ

  • જાપાનની કંપનીએ કર્મચારીઓને આપી દર અઠવાડિયે ત્રણ દિવસની રજા અને થઈ ગયો જાદુ
    જાપાનની કંપનીએ કર્મચારીઓને આપી દર અઠવાડિયે ત્રણ દિવસની રજા અને થઈ ગયો જાદુ

નવી દિલ્હી : જાપાનમાં માઇક્રોસોફ્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ અંતર્ગત કંપનીમાં કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપીને માત્ર ચાર દિવસ જ કામ કરાવવામાં આવ્યું હતું. કંપનીને આ પ્રયોગનો જબરદસ્ત ફાયદો થયો હતો અને એની ઉત્પાદનક્ષમતામાં 40 ટકાનો વધારો નોંધાયો હતો. આમ, કંપનીએ “Work Life Choice Challenge” પ્રોજેક્ટ હેઠળ કામ અને જીવન વચ્ચે સંતુલન સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.  આ પ્રયોગ અંતર્ગત કંપનીએ એના 2,300 કર્મચારીઓને શનિવાર અને રવિવાર સિવાય શુક્રવારે પણ રજા આપી હતી. આ સમય દરમિયાન કંપનીના પર્ફોમન્સમાં 2018ના ઓગસ્ટ મહિના કરતા 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ સિવાય કંપનીને સૂચનો મળ્યા છે કે મીટિંગ અને મેઇલ પર પસાર થતા સમયમાં ઘટાડો થવો જોઈએ અને કોઈ મીટિંગ 30 મિનિટ કરતા વધારે સમય ન ચાલવી જોઈએ. આ પ્રયોગથી કંપનીના ઇલેક્ટ્રિક વપરાશમાં 23.1 ટકાનો પણ ઘટાડો થયો છે. આ પ્રયોગથી ઉત્સાહિત થયેલી કંપની કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારી માટે અલગઅલગ યોજનાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપનીના 92.1 ટકા લોકોએ પણ આ કામને વધાવી લીધો છે.  સામાન્ય રીતે જાપાન એના કામના લાંબા કલાકો માટે જાણીતું છે. જોકે, આ પ્રયોગ પછી કંપનીના કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવાથી કામનો સ્ટ્રેસ ઓછો થાય છે અને તેઓ વધારે હળવાશ અનુભવે છે. જાપાનની જેમ જ ન્યૂઝીલેન્ડની એક કંપનીએ 2018માં પ્રાયોગિક રીતે અઠવાડિયામાં ચાર દિવસમાં કામ કરવાનો પ્રયોગ કર્યો હતો જેને સફળતા મળી હતી.