ખેડુતોના પ્રશ્ર્ને સરકારને સાત દિવસની મહેતલ: બાદ સૌરાષ્ટ્રવ્યાપી આંદોલનની ધમકી

  • ખેડુતોના પ્રશ્ર્ને સરકારને સાત દિવસની મહેતલ: બાદ સૌરાષ્ટ્રવ્યાપી આંદોલનની ધમકી
    ખેડુતોના પ્રશ્ર્ને સરકારને સાત દિવસની મહેતલ: બાદ સૌરાષ્ટ્રવ્યાપી આંદોલનની ધમકી

રાજકોટ તા. 5
રાજકરણમાં વિધિવત પ્રવેશ પછી ખાસ્સા ઝાંખા પડેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ પુન: ચળકાટ મારવા મેદાને પડશે. રાજકોટ ખાતે આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ખેડૂતોનાં અનેક વિધ પ્રશ્ર્ને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર સીધું નિશાન તાકી નબળા ગણાવી અલ્ટીમેટમ આપ્યું હતું. હાર્દિક પટેલે હૂંકાર કર્યો હતો કે રાજય સરકાર ખેડૂતોનાં પ્રાણપ્રશ્ર્નોનો 7 દિવસમાં નિકાલ નહીં લાવે તો સૌરાષ્ટ્રભરમાં ઉપવાસ આંદોલન સાથે આરપારની જંગના મંડાણ કરશે.
કોંગ્રેસીનેતા અને ખેડૂતોના હિમાયતી બનેલા હાર્દિક પટેલે પાક સહિતના પ્રશ્ર્ને સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે વર્તમાન સરકાર ખેડૂતોના પ્રશ્ર્ને નબળી છે. આ સરકારમાં ખેડૂતો પ્રત્યે કોઇ સંવેદના દેખાતી નથી રાજયના મુખ્યમંત્રીને ટાર્ગેટ કરી જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વમાંદ અને ખેડૂતોને ન્યાય આપવામાં નબળા પૂરવાર થઇ રહ્યા છે. મુખ્યમંત્રી રાજીનામુ આપી દયે તો ખેડૂતોના 50 ટકા પ્રશ્ર્નો હલ થઇ જાય તેમ છે. ગુજરાતમાં એક પણ નેતા ખેડૂતોના પ્રશ્ર્ને લડત કરી શકે તેમ નથી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી પડેલા વરસાદથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની થઇ છે. તેથી તાત્કાલીક સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરવામાં આવે અને વહેલી તકે પાક વિમો ચુકવવામાં આવે અગાઉ સરકાર અને વિમા કંપની દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે ખેડૂતોને ન્યાય આપવો વળતર આપવુ એ સરકાર અને વિમા કંપનીની જવાબદારી છે. ત્યારે સરકાર દ્વારા અવનવિ યોજનાઓના ગતકડા કાઢી ખેડૂતો સાથે વારંવારક મજાક કરવામાં આવે છે.
પાક નિષ્ફળ જવાના પ્રશ્ર્ને કહ્યું હતું કે આવનારા દિવસોમાં ગામડે-ગામડે યાત્રા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના ખેડૂતો, આગેવાનો સાથે તમામ યાર્ડના ડિરેકટરો સાથે બેઠક કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્ર્ને સરકાર સામે લડવાની રણનિતી તૈયાર કરવામાં આવશે. આવતિકાલે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને સાત દિવસનો સમય આપવામાં આવશે. જો સાત દિવસમાં ન્યાય આપવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રવ્યાપી ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ આમરણાંત સહિતના ઉપવાસ કરી મહાઆંદોલન કરવામાં આવશે. જરૂર પડે તો વિધાનસભા બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સરકાર ખેડૂત વિરોધી છે. અને અમે ખેડૂતનો અવાજ બનીશું. ન્યાય માટે લડશુ અને ખેડૂતોના આસું લુછવા બેઠા છીએ અને છેલ્લા શ્ર્વાસ સુધી ન્યાય માટે લડતા રહીશું.