શનિવારે રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરચક કાર્યક્રમ

  • શનિવારે રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરચક કાર્યક્રમ
    શનિવારે રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરચક કાર્યક્રમ

રાજકોટ તા.5
રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ફરી એક વખત તા.9 ને શનિવારે પધારી રહ્યા છે. તેમના હસ્તે બે બ્રીજ આવાસ યોજના અને અટલ સરોવરના પ્રોજેકટ સહિતના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે બાલભવન ખાતે સ્ટેજ પ્રોગ્રામ તેમજ મહંત સ્વામીના દર્શનનો લ્હાવો લઇ મુખ્યમંત્રી શનિવારના રોજ યોજાયેલ ભાજપ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં તા.9 ને શનિવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે ભરચક્ક કાર્યક્રમોનું આયોજન રૂડા તેમજ મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવ્યું છે. તા.9 ના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન અટલ સરોવર ખાતે તૈયાર થનાર પ્રોજેકટનું ખાતમુહૂર્ત તેમજ હોસ્પીટલ ચોક ખાતે રૂા.23 કરોડના ખર્ચે તૈયાર થનાર ટ્રાયએંગલ ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત અને રૈયારોડ ઉપર આવેલ આમ્રપાલી ફાટક ખાતે તૈયાર થનાર અંડરબ્રીજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
જ્યારે સાંજે 5 થી 6 દરમ્યાન બાલભવન ખાતે સ્ટેજ પ્રોગ્રામમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી 6.30 વાગ્યે મહંત સ્વામીના દર્શન અર્થે સ્વામીનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 6 થી 8.15 દરમ્યાન શહેર ભાજપ કાર્યકરો
તેમજ આગેવાનોના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. રૂડા ખાતે સ્માર્ટ સીટી એરીયામાં નવી બનનાર 496 આવાસોની આવાસ યોજનાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા.9 ના રોજ કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં વસવાટ કરતા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરીવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સ્માર્ટ સીટી વિસ્તારમાં વધુ 496 આવાસો બનાવવાનું આયોજન રૂડા દ્વારા કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુંજકા ટીપી સ્કીમ 17 માં ફાઇનલ પ્લોટ નંબર 89 માં ઇડબલ્યુએસ-1 પ્રકારના 80 આવાસો તૈયાર કરવામાં આવશે. કુલ રૂા.5320 લાખના ખર્ચે 7 માળનું બીલ્ડીંગ તૈયાર થશે. એક યુનિટ દીઠ 9.26 લાખનો ખર્ચ થનાર છે. રૂડામાં ફાઇનલ પ્લોટ નં.95 માં ઇડબલ્યુએસ બે પ્રકારના 416 આવાસો તૈયાર કરવામાં આવશે. 7 માળના બીલ્ડીંગમાં યુનિટ દીઠ 11.01 લાખના ખર્ચે 40 ચો.મી. જગ્યામાં આવાસ બનાવવામાં આવશે. આમ રૂા.5320.53 લાખના ખર્ચે 7 માળની આવાસ યોજનામાં 496 નવા આવાસો બનાવવામાં આવશે. આ યોજનાનું ખાતમુહૂર્ત વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ શહેરના સતત ટ્રાફીકથી ધમધમતા હોસ્પીટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કર્યા બાદ શનિવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે 23 કરોડના ખર્ચે તૈયાર થનાર ટ્રાયએંગલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ રૈયારોડ ઉપર આમ્રપાલી ફાટક ખાતે પ્રથમ ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રાફીક નિયમન અને જગ્યાના અભાવે અંડરબ્રીજ બનાવવાનું મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ. ત્યારબાદ ડીઝાઇન સહિતની રૂપરેખા તૈયાર કર્યા બાદ આગામી શનિવારે આમ્રપાલી અંડરબ્રીજનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આમ આગામી તા.9 ને શનિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અટલ સરોવરના પ્રોજેકટનું ખાતમુહૂર્ત તેમજ હોસ્પીટલ ચોક ઓવરબ્રીજ તથા આમ્રપાલી ફાટક અંડરબ્રીજ અને રૂડામાં મુંજકા ખાતે તૈયાર થનાર 496 આવાસોની આવાસ યોજના સહિતના તમામ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરવામાં આવશે.