સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી

  • સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી
    સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં વિવાદિત સ્થળને રામ જન્મભૂમી તરીકે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ વિવાદિત સ્થળ પર જ મંદિર બનાવવામાં આવે. તેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જ રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી ગયો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યા ચૂકાદા અંગે દેશવાસીઓને સંબોધન...
- સમગ્ર દુનિયા ભારતની લોકશાહીને માને છે. 
- સુપ્રીમ કોર્ટે આજે આપેલો ચૂકાદાએ એ દર્શાવી દીધું છે કે, ભારતમાં સર્વ ધર્મ સમભાવની ભાવના જોડાયેલી છે. 
- સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે. 
- ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને દેશના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 
- સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા હતા. દરેક પક્ષને સાંભળ્યા પછી પોતાની દૃઢ ઈચ્છાશક્તિના દર્શન કરાવ્યા છે. 

આજના ચૂકાદાથી આપણે સૌથી ધીરજ જાળવવાનો બોધપાઠ મળ્યો છે. આજનો ચૂકાદો એક નવી સવાર લઈને આવ્યો છે. દેશના કાયદાઓનું પાલન કરવું એ આપણી જવાબદારી બની ગયું છે. દરેક ભારતીયએ પોતાની જવાબદારીનું પાલન કરવું પડશે અને ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાનું છે. ભારત સામે અનેક પડકારો છે, અનેક લક્ષ્ય છે, મંજિલો અનેક છે. દરેક ભારતીયએ સાથે ચાલીને આ લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે.  

કોઈ પણ જટિલ મુદ્દો હોય, તેનું સમાધાન બંધારણીય મર્યાદામાં રહીને લાવી શકાય છે એ બાબતનો પુરાવો છે આજનો ચૂકાદો. આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સહયોગ રહ્યો છે. આજે અયોધ્યાના ચૂકાદાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. આજના દિવસનો સંદેશ જોડવાનો, જોડાવાનો અને સાથે મળીને જીવવાનો છે. 

વડાપ્રધાને શાંતિ અને સોહાર્દનું આવું જ વાતાવરણ આગળ પણ જાળવી રાખીને દેશવાસીઓને ખભે-ખભા મિલાવીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ઈદનો દિવસ આવી રહ્યો છે ત્યારે સૌને સાથે મળીને ભારતના સુંદર ભવિષ્યનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આગામી તહેવારો નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી.