સુરતમાં પકડાઈ કુખ્યાત મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરી લેતી લાખો રૂપિયા
સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એટીએમમાં છેડછાડ કરી છેતરપીંડી આચરતી મેવાતી ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 25 જેટલા ડેબિટ અને એટીએમ કાર્ડ સહિત 6 મોબાઈલ, આઈડી કાર્ડ મળી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં જાણવા મળ્યું કે, ગેંગના ચાર પૈકીનો એક આરોપી પ્લેન મારફતે હરિયાણાથી સુરત ગુનાને અંજામ આપવા આવતો હતો. એટલુ જ નહીં પરંતુ સુરત શહેરમાં અગાઉ પણ ગેંગ દ્વારા એટીએમને નિશાન બનાવી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગ ઝડપી પાડી બેંકો સાથે છેતરપિંડી આચરતાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના ભાગા-તળાવ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં અજાણ્યા શખ્સો દ્વારા છેડછાડ કરી રૂપિયા ઉપાડ્યા બાદ કસ્ટમર કેરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ટ્રાન્જેક્શન કરવા છતાં રૂપિયા મળ્યા ન હોવાની ફરિયાદ કરાતા બેંક દ્વારા રૂપિયા તેઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં આ બાબતની જાણ બેંકના ધ્યાને આવી હતી અને બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરતા મેવાતી ગેંગને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
Top News
