શિવસેનાની હાલત કફોડી: એનસીપીને સરકાર રચવા નોતરૂ !

  • શિવસેનાની હાલત કફોડી: એનસીપીને સરકાર રચવા નોતરૂ !
    શિવસેનાની હાલત કફોડી: એનસીપીને સરકાર રચવા નોતરૂ !

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા પછી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, અમે સરકારની રચના માટે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે 24 કલાકનો સમય આપ્યો છે. 

આદિત્ય ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."

આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું કે, "કોંગ્રેસ અને એસીપી એમ બંને પાર્ટી સાથે અમારી વાટાઘાટો ચાલી રહી છે. તેમના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. રાજ્યમાં શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્યપાલ સમક્ષ 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે."

ઉલ્લેખનીય છે કે, મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સાંજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ બહાર આવી નથી, પરંતુ ઉદ્ધવે રાજ્યમાં સરકારની રચના અંગે સોનિયા સાથે ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ વાતચીત પછી શિવસેના-એનસીપી સરકારને કોંગ્રેસ ટેકો આપવા તૈયાર થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે.