NRC પર અમિત શાહનું મોટું નિવેદન, 'સમગ્ર દેશમાં લાગુ થશે, કોઈએ ડરવાની જરૂર નથી'

  • NRC પર અમિત શાહનું મોટું નિવેદન, 'સમગ્ર દેશમાં લાગુ થશે, કોઈએ ડરવાની જરૂર નથી'
    NRC પર અમિત શાહનું મોટું નિવેદન, 'સમગ્ર દેશમાં લાગુ થશે, કોઈએ ડરવાની જરૂર નથી'

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)થી કોઈએ ડરવાની જરૂર નથી અને તે આખા દેશમાં લાગુ કરવામાં આવશે. રાજ્યસભામાં આજે એક સવાલના જવાબમાં શાહે કહ્યું કે "NRCમાં એવી કોઈ જોગવાઈ નથી, જેમાં એવું કહેવાયું હોય કે તેમાં બીજા ધર્મના લોકોને સામેલ કરવામાં આવશે નહીં." તેમણે કહ્યું કે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને કોઈએ પણ તેનાથી ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે NRC હાલ આસામમાં લાગુ છે. તેના પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં NRC લાગુ થવા દઈશું નહીં.    આ સાથે જ જમ્મુ અને કાશ્મીરના તાજા હાલાતની જાણકારી રાજ્યસભામાં આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કોઈ પણ વ્યક્તિનો જીવ પોલીસ ફાયરિંગમાં ગયો નથી. હાલાત સતત સુધરી રહ્યાં છે. કોઈ પણ પોલીસ સ્ટેશન હદમાં કરફ્યુ નથી. દવાઓની કોઈ કમી નથી. બધી શાળાઓ ખુલ્લી છે. બધી હોસ્પિટલો પણ ખુલ્લી છે. ઈન્ટરનેટ સેવાઓ જલદી બહાલ થવી જોઈએ પરંતુ આ નિર્ણય સ્થાનિક પ્રશાસને લેવાનો છે. કાશ્મીરની તમામ ઓફિસો ખુલ્લી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પથ્થરબાજીમાં ઘટાડો થયો છે.