વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

  • વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે
    વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, ધર્મ અને દાન કરવાથી ધન નથી ઘટતુ. દાન કરવામાં કે ધર્મ કરવામાં ગુજરાતીઓ હરહમેશ આગળ હોય છે. આવો જ એક અનોખો વ્યક્તિત્વ જે વકીલ હોવાની સાથે ગરીબ ભૂખ્યા નાગરિકોને દર શનિવારે ભોજપ પણ આપે છે. અમદાવાદનાં માધુપુરા ખાતે આવેલા વર્ષો જુના રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી માધુપુરાનાં નિવાસી અને અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા દરિદ્રનારાયણની સેવા માટે અનોખો ખીચડી પ્રસાદ મહાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. માધુપુરાનાં રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર શનિવારે ભૂખ્યા ગરીબોને સાંજે 6 વાગે ખીચડીનો પ્રસાદ ભગવાન રામની શરણમાં મફતમાં આપવામાં આવે છે. શનિવારે જેમ - જેમ સાંજ પડવાની શરૂઆત થાય છે, તેની સાથે જ ગરીબ ભૂખ્યા નાગરિકો, મહિલાઓ, બાળકો, મજુરી કરતા શ્રમજીવીઓ આવીને ઉમટી પડતા હોય છે. રામજી મંદિર ખાતે એક તરફ ખીચડીનો પ્રસાદ બનતો હોય છે ત્યારે બીજી તરફ રામધુન પણ ચાલતી હોય છે. ખીચડી પ્રસાદ બન્યા બાદ રામ ભગવાનને ભોગ ધરવામાં આવે છે ને પછી શરુ થાય છે ખીચડી પ્રસાદની વહેચણી. તમામ નાગરિકો એક લાઈનમાં ઉભા થાય છે અને ભગવાન શ્રીરામનો ખીચડી પ્રસાદ લઈને રામ નામ જપતા - જપતા હસતા મુખે પોતાનો પેટ ભરીને જાય છે.