આઈપીએલના 46માં મેચમાં કોલકત્તા ટીમ સામે પંજાબનો શાનદાર વિજય

કોલકત્તાના 150 રનનો ટાર્ગેટ પંજાબે ઝડપભેર ફકત બે જ વિકેટે સર કરી લીધો: મંદિપ અને ગેઈલની શાનદાર રમત જોવા મળી

શારજાહ તા.26
શારજાહ ખાતે આજે રમાયેલા ક્રિકેટ મેચમાં ફટકાબાજીનો આનંદ ટીવી પર દર્શકોને જોવા મળ્યો હતો. ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબે ફિલ્ડીંગ પસંદ કરી હતી. દાવમાં ઉતરેલી કોલકત્તા નાઈટ રાઈડર્સે 9 વિકેટના ભોગે 149 રન કર્યા હતા. જેમાં શુભમન ગિલે 45 દડામાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 57, મોર્ગને 25 દડામાં બે છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 40 રન તો ર્ફ્ગ્યુસને નોટ આઉટ રહીને 13 દડામાં એક છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 24 રન નોંધાવ્યા હતા. અન્ય ખેલાડીઓ સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 150 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી હતી અને છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. ટીમે માત્ર બે જ વિકેટે 18.5 ઓવરમાં રન ચેઝ કરી વિજય મેળવી લીધો હતો. જેમાં મંદિપ સિંઘે નોટઆઉટ રહીને 56 દડામાં બે છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે 66 રન, ગેઈલે 29 દડામાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા ફટકારી 51 રન માર્યા હતા. જે ટીમના વિજય માટે મુખ્યત્વે રહ્યા હતા. તો રાહુલે પણ 25 દડામાં ચાર ચોગ્ગા સાથે 28 રન કર્યા હતા.
આમ આજની રમતમાં ટીવી પર મેચ જોતા દર્શકોને પંજાબના દાવમાં ભારે ફટકાબાજી જોવા મળી હતી. આઈપીએલ હવે સંપન્ન થવા જઈ રહી છે. ત્યારે દરેક મેચ રોમાંચભર્યા બનતા જાય છે જે પણ નોંધનિય છે.

રિલેટેડ ન્યૂઝ