ભારતના ઘાયલ યોધ્ધાઓએ ઓસિ.ને ધરાહર હરાવ્યું !

હનુમા વિહારી અને આર. અશ્ર્વિન 42 ઓવર સુધી ટિચૂક ટિચૂક કરતા રહ્યાં: આખરે મેચ ડ્રોમાં ખેંચી ગયા

(પ્રતિનિધિ દ્વારા)
સિડની તા. 11
ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. સોમવારે સવારે જ્યારે પાંચમા દિવસની રમત શરૂ થઈ તો મોટા ભાગના ફેન્સને આ પરિણામની આશા પણ નહીં હોય. ઈજાઓથી ઝઝૂમી રહેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો અને મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. હનુમા વિહારી અને આર. અશ્વિને જે કર્યું તે ઈતિહાસનાં પાનાઓમાં લખાઈ ગયું છે. બંનેએ ઓસ્ટ્રેલિયા બોલર્સને ઘૂંટણિયે પાડી એક પણ વિકેટ પાડવા દીધી ન હતી. ભારતે પાંચ ઈજાગ્રસ્ત ખેલાડીઓ સાથે આ મેચ ડ્રો કરી લીધી હતી. જે બાદ અશ્વિનની પત્નીએ ટ્વીટર પર લખ્યું કે, સ્પિનરની હાલત આજે સવારે ખુબ ખરાબ હતી, તે સીધો ઉભો પણ રહી શકતો ન હતો. અશ્વિને જે કર્યું તેનાથી હેરાન છું. પત્નીની આ વાત સાંભળી અશ્વિન પણ ભાવુક થઈ ગયો હતો અને કહ્યું કે આંખોમાં આંસુ છે.
પ્રીતિ ઓસ્ટ્રેલિયામાં અશ્વિનની સાથે જ છે. પોતાના હોટેલ રૂમમાંથી તે સતત મેચ વિશે ટ્વીટ કરી રહી હતી. મેચ ડ્રો થયા બાદ પ્રીતિએ અશ્વિનની હાલત વિશે જણાવ્યું હતું. તેણે લખ્યું કે, તે જ્યારે કાલે રાત્રે સુવા ગયો ત્યારે તેની કમરમાં ભયનાક દુ:ખાવો હતો. આજે સવારે જ્યારે તે ઉઠ્યો તો સીધો ઉભો પણ રહી શકતો ન હતો. નીચે નમીને તે પોતાના શૂઝની દોરી પણ બાંધી શક્યો ન હતો. અશ્વિને આજે જે કર્યું તે જોઈને હું હેરાન છું. જો કે બાદમાં મજાકિયા અંદાજમાં કહ્યું કે, હવે મારી પેકિંગમાં કોણ મદદ કરશે.
પ્રીતિની ટ્વીટ વાંચીને અશ્વિનની આંખો ભરાઈ આવી હતી. તેણે હંમેશા સાથ આપવા માટે પ્રીતિનો આભાર માન્યો હતો.
ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત વચ્ચે સદીની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે તે તૂટી તો જીતની આશા ખતમ થઈ ગઈ હતી. મેચ હારવાનું જોખમ ઉભું થયું હતું. પણ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ક્રીઝ પર એવા પગ જમાવ્યા કે અંત સુધી હલ્યા જ નહીં. વિહારીને હેમસ્ટ્રીંગની ઈજા થઈ છે, અશ્વિન પહેલેથી જ ઈજાગ્રસ્ત હતો પણ તેનો જુસ્સો ઓછો થયો નહીં.
હનુમા લગભગ ચાર કલાક સુધી ક્રીઝ પર ઉભો રહ્યો અને 161 બોલ રમીને 23 રન બનાવ્યા હતા. અશ્વિને 128 બોલ પર અણનમ 38 રન બનાવ્યા હતા. બંનેએ લગભગ 42 ઓવરોનો સામનો કરીને છ વિકેટ માટે 62 રન બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ