મુંબઈમાં બાકી બધ્ધું બંધIPLની નાઈટ મેચ ચાલુ!

શનિ-રવિવારનું લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ વગેરે બધ્ધું સામાન્ય લોકો માટે, રૂપિયા રળી આપતી ક્રિકેટ-લીગ્સ માટે ઊઘાડી છૂટ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.7
આઇપીએલની 14 સિઝન શરૂ થવા આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. શુક્રવારથી આઇપીએલનું બ્યૂંગલ ફૂંકાશે. એક તરફ દેશભરમાં કોરોના મહામારીનો ઉપદ્રવ ચરમ પર છે. ત્યારે આઇપીએલનું આયોજન કેટલું વ્યાજબી છે. તેના પર સવાલ ઉઠી રહ્યા છે. મુંબઇમાં વધતા કોરોનાના મામલાને ધ્યાને રાખીએ શનિ-રવિવારે લોકડાઉન અને રાત્રીના 8-00 પછી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે. આથી લોકો સવાલ કરી રહ્યા છે કે તો પછી મુંબઇમાં આઇપીએલના મેચ કેમ રમાશે. જો કે મહારાષ્ટ્ર સરકારે આઇપીએલને લીલીઝંડી આપી દીધી છે અને રાત્રીના મેચના આયોજન માટે પણ છૂટ આપી દીધી છે. આ ઉપરાંત ખેલાડીઓને સ્ટેડિયમમાં જઇને નાઇટ પ્રેકટીસની છૂટ પણ આપી છે. મુંબઇમાં આ વખતે આઇપીએલના 10 મેચ રમાવાના છે. આ તમામ મુકાબલા વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેમાંના 9 મેચ સાંજે 7-30થી શરૂ થશે. પહેલો મેચ 10મીએ ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ રમાશે. જો કે તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં રમવાના છે.
વેપારી-ધંધાર્થીઓમાં
વિરોધનો સૂર
આઇપીએલના મેચો રાત્રે પણ રમવાની મહારાષ્ટ્ર સરકારની છૂટ સામે મુંબઇના નાના-મોટા ધંધાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વેપારી સંગઠનનું કહેવું છે કે તમે એક લારી-ગલ્લાવાળા કે મજૂરને રાત્રે 8-00 પછી વેપાર કરવાની કે પેટિયું રળવાની છૂટ આપતા નથી, પણ આઇપીએલને છૂટોદોર આપી દીધો છે. નાના માણસના હિતની વાત કરતી ઉધ્ધવ ઠાકરે સરકાર સામાન્યજન સાથે આવો હળાહળ અન્યાય કેમ કરી રહી છે. શું આઇપીએલ વગદાર લોકો અને બીસીસીઆઇ ચલાવે છે એટલે તેને બધા પ્રકારની મંજૂરી મળી છે. તેવો સવાલ સ્થાનિક વેપારી સંગઠનોએ કર્યો છે.
વાનખેડે સ્ટેડિયમમાં કોરોનાની ઈનિંગ્સ શરૂ
દરમિયાન આજે વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ મેદાનકર્મી કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સાથે સંકળાયેલ પૂર્વ વિકેટકીપર કિરણ મોરે પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે. આ પહેલા શનિવારે વાનખેડે સ્ટેડિયમના 10 મેદાનકર્મી કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુંબઇમાં વધતા કોરોનાના કેસને લીધે મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં વીક એન્ડ લોકડાઉન મુકયું છે. રાત્રી કફર્યૂ પણ લાગુ કર્યાં છે. આમ છતાં આઇપીએલના મેચો માટે છૂટ જાહેર કરી છે. જેનો નાના ધંધાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ