ભારત અને ન્યુઝિલેન્ડની 2 ટેસ્ટની શ્રેણીનો આજથી વેલિંગ્ટનમાં આરંભ

વેલિંગ્ટન તા.20
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એકપણ મેચ નથી હાર્યું અને 360 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ 0-3થી હાર્યા પછી ન્યૂઝીલેન્ડ 60 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે છે. આ સીરિઝમાં 1 ટેસ્ટ જીતવાના 60 પોઈન્ટ્સ મળવાના હોવાથી, હોમ ટીમ કિવિઝ ઘરઆંગણે 120 પોઈન્ટ્સ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં મોટો કૂદકો મારવાનો પ્રયત્ન કરશે. જ્યારે ટીમ ઇન્ડિયા સીરિઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગશે.
ભારત ન્યૂઝીલેન્ડમાં 9માંથી 2 સીરિઝ જીત્યું, વેલિંગ્ટનમાં 7માંથી માત્ર 1 મેચ જીત્યું
ભારત ન્યૂઝીલેન્ડમાં કુલ 9 સીરિઝ રમ્યું છે. તેમાંથી ટીમ ઇન્ડિયાએ 2 વાર સીરિઝ જીતી છે. 1967/68માં મંસૂર અલી ખાન પટૌડીની કપ્તાનીમાં 3-1 અને 2008/09માં એમએસ ધોનીની કપ્તાનીમાં 1-0થી સીરિઝ પોતાના નામે કરી હતી. જોકે વેલિંગ્ટનમાં ભારતનો દેખાવ સાધારણ રહ્યો છે. ટીમે અહિયાં રમેલી 7માંથી માત્ર 1 મેચ જીતી છે. જ્યારે 4 મેચ હાર્યું છે અને અન્ય 2 મુકાબલા ડ્રો રહ્યા હતા. ટીમ ઇન્ડિયા અહીંયા રમેલી પ્રથમ મેચમાં 1968માં મંસૂર અલી ખાન પટૌડીની કપ્તાની 8 વિકેટે જીતી હતી. તે પછી ટીમ સતત ચાર મેચ હારી, જ્યારે છેલ્લી બંને મેચ ડ્રો રહી છે.
કોહલી અને કંપની જાણે છે
કે ઘરઆંગણે વિલિયમ્સનની કપ્તાનીમાં કિવિઝની તાકત બમણી થઇ જાય છે. મેક્કુલ પાસેથી કપ્તાની લીધા પછી વિલિયમ્સને ન્યૂઝીલેન્ડમાં 8 સીરિઝમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમાંથી ટીમે 7 સીરિઝ જીતી છે અને એકમાં હારનો સામનો કર્યો છે. કિવિઝે છેલ્લે નવેમ્બર/ડિસેમ્બર 2019માં ઇંગ્લેન્ડ સામેની સીરિઝ 1-0થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડ આ 8 સીરિઝમાં કુલ 17 ટેસ્ટ રમ્યું છે, તેમાંથી 11 જીત્યું, 1 હાર્યું અને 5 મેચ ડ્રો રહી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે જે સંકેત આપ્યા હતા તે અનુસાર પ્લેઈંગ 11માં પૃથ્વી શો અને ઇશાંત શર્માનું સ્થાન નક્કી છે. પૃથ્વી મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. નંબર 3,4 અને 5 પર ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ટીમની બેટિંગ સંભાળશે. વિદેશમાં ટેસ્ટમાં હનુમા વિહારી ટીમનો નંબર 6 છે. જ્યારે વિકેટકીપિંગ સ્કિલ્સના આધારે સાહાને સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ છે. રહી વાત બોલર્સની તો ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી નિભાવશે. જ્યારે ટીમ મેનેજમેન્ટ સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનમાંથી કોની પસંદગી કરે છે તે જોવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ