વરસાદી પાણીના સંગ્રહ માટે વાવડી નજીક ઈઝરાયલ પદ્ધતિથી બનાવાશે સ્પોન્જ પાર્ક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 28 હજાર ચો.મી.માં પ્રોજેક્ટનું નિર્માણ કરાશે: 27 કરોડના કામના ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ શહેરમાં દર વર્ષે પડતા વરસાદના કારણે આજી, ન્યારી અને ભાદર ત્રણે ડેમ છલકાતા રહે છે. આમ છતાં વર્ષમાં ત્રણ વખત સૌની યોજના હેઠળ નર્મદા નીર લેવા પડે છે. હવે થોડા દિવસોમાં ફરી સૌનીનું પાણી શરૂ થવાનું છે ત્યારે દર વર્ષે કરોડો લીટર વરસાદી પાણી ગટરમાં વહી જતું હોય, વરસાદી પાણીના વિશાળ સંગ્રહ માટે મહાપાલિકાએ બજેટમાં જાહેર કરેલી યોજના મુજબ વોર્ડ નં.1રના વાવડી વિસ્તારમાં ર7 કરોડના ખર્ચે તળાવ અને ખાડા સહિતનો વિશાળ સ્પોન્જ પાર્ક બનાવવાના ટેન્ડર આજે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
થોડા નીચાણવાળા અને ઢાળવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો વધુ કુદરતી સંગ્રહ થઇ શકે અને આ પાણીનો ઉપયોગ થઇ શકે તેવું આયોજન પ્રથમ વખત કોર્પો.એ હાથ પર લીધુ છે. વરસાદી પાણીના સંગ્રહ માટેના સ્પોન્જ પાર્ક ઇઝરાયલ અને જાપાનની જેમ ચેન્નાઇ, અમદાવાદમાં બનાવવાના પાયલોટ પ્રોજેકટ જાહેર થઇ ચુકયા છે. હવે રાજકોટ મહાપાલિકાએ આ દિશામાં આગેકદમ માંડયું છે. જે વિસ્તારમાં વધુ વરસાદી પાણી ભરાતું હોય, તે વિસ્તારમાં આ યોજનાઓ બેસાડવામાં આવે છે.
શહેરમાં દર વર્ષે સામાન્ય વરસાદ અને માવઠામાં પણ અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે અને લોકો હેરાન થતા હોય છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મનપાએ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ જેવા આયોજનો પણ કર્યા છે. હવે વહી જતા પાણીનો સંગ્રહ કરવા પ્રારંભીક તબકકે વાવડી અને મવડી વિસ્તારના વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે વાવડીમાં તપન હાઇટ્સની બાજૂમાં 28000 ચો.મીટર જગ્યા ઉપર રૂા.26.98 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવા માટે આજે વેસ્ટ ઝોન કચેરીએ ટેન્ડર બહાર પાડયું છે.
રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી વોકળાઓ મારફતે વહી જાય છે. પરંતુ આ પાણીનો સદ્ઉપયોગ થઇ શકે તે માટે સ્પોન્જ પાર્ક ઉભો કરવાની યોજના બજેટમાં સામેલ કરી હતી. આ સ્પોન્જ પાર્કમાં પાણી જમીનમાં ઉતરશે બાદ આ પાણીનો ઉપયોગ ગાર્ડન, વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર માટે કરવામાં આવશે. હાલ મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ મુખ્ય વોકળાની બાજૂમાં તપન હાઇટ્સ પાસે કોર્પો.ના 28000 ચો.મીટર પ્લોટ પર સ્પોન્જ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ આયોજન સફળ થાય એટલે બંને વિસ્તારમાં વહેતા વરસાદી પાણીનો સંગ્રહ અને આગળ ઉપયોગ થઇ શકશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ સ્પોન્જ થયેલ પાણીનો ઉપયોગ કરી બાજૂમાં તૈયાર કરવામાં આવેલ ગાર્ડનના વૃક્ષો માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ વધારાનુ પાણી અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાશે. આ સ્પોન્જ પાર્કમાં સંગ્રહાયેલ વરસાદી પાણીના કારણે આ પાણી જમીનમાં ઉતરી ગયા બાદ આજૂબાજૂના વિસ્તારોના પાણીના તળ પણ ઉચા આવશે. જેનાથી પીવાના પાણીના સંગ્રહમાં પણ મદદ મળશે. હાલ સ્પોન્જ પાર્ક માટેની ડીઝાઇન તેમજ ઇન્ફ્રાટ્રક્ચરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને અનુભવી એજન્સીને કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતા ચોમાસા પહેલા સ્પોન્જ પાર્ક તૈયાર થઇ શકે તેવું આયોજન ચાલી રહ્યું છે. કોર્પો. દ્વારા પ્રથમ વખત વાવડી વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ માટે સ્પોન્જ પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ક તૈયાર થયા બાદ કેટલુ પાણી સંગ્રહ થાય છે. તેમજ સ્પોન્જ પધ્ધતિથી પાણી કેટલું ઉપયોગી થઇ શકે છે. તેના પરથી અન્ય વિસ્તારોમાં આવા સ્પોન્જ પાર્ક બનાવવા વિચારણા આગળ વધારવામાં આવશે તેમ અધિકારીઓએ કહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ