સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બંધ બોડીની ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતી 643 બોટલો સાથે કુલ રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી ટીમે જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 643 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ—મ.4,92,538 અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન (રૂમ.10,000) અને દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન (રૂમ.5,00,000) પણ જપ્ત કરવામાં આવ્યું છે. આમ, કુલ રૂમ.10,02,538નો મુદ્દામાલ કબજે લેવાયો છે.
સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માલવણ ચોકડી પાસે એક સફેદ કલરની બંધ બોડીની ટાટા ઇન્ટ્રા ગાડીને રોકી તપાસ કરતા તેમાં પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના 32 વર્ષીય નરપતરામ ચુતરારામ જાટ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.એલસીબીના યશપાલસિંહ રાઠોડની ફરિયાદના આધારે બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ એ.એ.મલેક ચલાવી રહ્યા છે. આ દરોડામાં એલસીબી પીએસઆઇ જાવીદખાન પઠાણ, દશરથભાઈ ધાંધર, સંજયભાઈ પાઠક, અસલમખાન મલેક અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પણ હાજર હતો.
