રાજકોટમાં ભારતને ન્યુઝીલેન્ડની ટીમે 7 વિકેટે હરાવ્યું

રાહુલની સદી એળે: મિશેલના અણનમ 131 અને યંગની 87 રનની ફટકાબાજી ભારે પડી

ભારતે 7 વિકેટે 284 રન કર્યા તો ન્યુઝીલેન્ડે 47.3 ઓવરમાં 3 વિકેટે 286 રન ફટકારી જીત મેળવી લીધી

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ-વચ્ચેની બીજી વનડે મેચમાં ભારતીય ચાહકોને નિરાશા સાંપડી છે. ડેરિલ મિશેલની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો લાચાર જણાતા હતા. ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરાબર કરી દીધે છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મિશ્ર રહી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવી શક્યા ન હતા. જોકે, કેપ્ટન શુભમન ગિલે 56 રનની મહત્વની ઈનિંગ રમી હતી. મધ્યમ ક્રમમાં શ્રેયસ અય્યર નિષ્ફળ રહ્યો હતો, પરંતુ ’સંકટમોચક’ બનીને આવેલા કેએલ રાહુલે બાજી સંભાળી લીધી હતી. રાહુલે એકલા હાથે લડત આપી અણનમ 112 રન ફટકાર્યા હતા. આ તેની વનડે કારકિર્દીની 8મી સદી હતી, જેના જોરે ભારત 284 રન સુધી પહોંચી શક્યું હતું. 285 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 50 રનની અંદર જ 2 વિકેટ ગુમાવી દેતા ભારતની પકડ મજબૂત લાગતી હતી. પરંતુ ત્યારબાદ મેચનું પાસું પલટાઈ ગયું. ડેરિલ મિશેલ અને વિલ યંગે બાથ ભીડીને ભારતીય બોલરોને હંફાવ્યા હતા. બંને વચ્ચે 162 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાઈ હતી. વિલ યંગ 87 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ડેરિલ મિશેલ અંત સુધી અડીખમ રહ્યો હતો. તેણે 117 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 131 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી ભારતીય બોલરો આ મેચમાં લાઈન અને લેન્થ જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ખાસ કરીને સ્પિનર કુલદીપ યાદવ ખૂબ મોંઘો સાબિત થયો . હતો. તેણે 1 વિકેટ લીધી હતી પરંતુ 10 ઓવરમાં 82 રન આપ્યા હતા, જે હારનું એક મોટું કારણ બન્યું આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણ અને હર્ષિત રાણાને 1-1 સફળતા મળી હતી. હવે શ્રેણીનો રોમાંચ ચરમસીમાએ છે. બંને ટીમો 1-1 ની બરાબરી પર હોવાથી, સીરીઝનો નિર્ણય હવે 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાનારી ત્રીજી અને અંતિમ વનડેમાં થશે.

ખરાબ ફિલ્ડિંગ-બોલરોની નિષ્ફળતાને કારણે ભારતની હાર: શુભમન ગીલ
રાજકોટના મેદાન પર ભારત પાસે ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી જીતવાની સુવર્ણ તક હતી, પરંતુ કિવી બેટ્સમેનોએ ભારતીય બોલરોની ધોલાઈ કરીને જીત છીનવી લીધી હતી. શુભમન ગિલે સ્વીકાર્યું હતું કે ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ મધ્ય ઓવરોમાં વિકેટ ન મળવી હતું. ભારતીય સ્પિનરો કિવી બેટ્સમેનો પર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ગિલે કહ્યું, “જ્યારે તમે વચ્ચેની ઓવરોમાં વિકેટ નથી લઈ શકતા, ત્યારે રન રોકવા અશક્ય બની જાય છે. ભલે અમે બોર્ડ પર 15-20 રન વધારે બનાવ્યા હોત, તો પણ મિડલ ઓવર્સમાં વિકેટ લેવી ફરજિયાત હતી. અમે 5 ફિલ્ડરો સર્કલની અંદર રાખ્યા હતા, છતાં અમે ભાગીદારી તોડી શક્યા નહીં, જે અમને ભારે પડયું.” કેપ્ટને ડેરિલ મિશેલ અને વિલ યંગની ભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી પીચો પર એકવાર બેટ્સમેન સેટ થઈ જાય પછી તેને રોકવો મુશ્કેલ છે. ’જયારે ભાગીદારી મજબૂત બને છે, ત્યારે સેટ બેટ્સમેન માટે મોટા શોટ રમવા આસાન થઈ જાય છે. નવા આવનાર બેટ્સમેન માટે શરૂઆતથી જ ફટકાબાજી કરવી અઘરી હોય છે, પરંતુ અમે સેટ બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા, તેમ ગિલે ઉમેર્યું હતું. હારનું ત્રીજું અને મહત્વનું કારણ ’ખરાબ ફિલ્ડિંગ’ રહ્યું. ગિલે સ્પષ્ટ કહ્યું કે બોલરોની સાથે ફિલ્ડરોએ પણ નિરાશ કર્યા છે. ’પાછલી મેચની જેમ આ મેચમાં પણ અમે કેટલાક મહત્વપૂર્ણ કેચ છોડ્યા. જો તમે આવા સ્તરે કેચ છોડો તો વિરોધી ટીમ મેચમાં વાપસી કરી જ લે છે.” આ ઉપરાંત, ગિલે શરૂઆતની 10-15 ઓવરમાં બોલરો દ્વારા વધુ આક્રમકતા ન દાખવવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ