શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે વિસાવદર તાલુકામાંથી પાંચ લાખ રૂપિયાથી વધુનું દાન જાહેર

ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરતા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા સર્વ સમાજ માટે રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રના કેન્સર પીડિત દર્દીઓને વિશ્વસ્તરીય, આધુનિક અને વ્યાજબી દરે સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી આ હોસ્પિટલ રચાઈ રહી છે.
43 એકર વિસ્તારમાં અંદાજે પાંચ લાખ ચોરસ વારના બાંધકામ સાથે આ એક વિશાળ અને ઐતિહાસિક સામાજિક પ્રોજેક્ટ બની રહ્યો છે.
આ ભગીરથ કાર્યમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકે અને જનસહયોગથી આ પ્રોજેક્ટને નવી ઊંચાઈ મળે તે માટે જનજાગૃતિ અને નિધિ એકત્રિકરણના ભાગરૂપે વિસાવદર તાલુકામાં મા ખોડલનો રથ દરેક ગામે પરિભ્રમણ કરી રહ્યો છે.
વિશાલભાઈ રીબડિયા, વિસાવદર તાલુકા ક્ધવીનર, ખોડલધામ દ્વારા જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ તથા વિસાવદર શહેર અને તાલુકા ખોડલધામ સમિતિના આયોજન હેઠળ વિસાવદર તાલુકાના તમામ ગામોમાં પરિભ્રમણ માટેની કાર્યકર્તા મિટિંગ તારીખ 18 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી.આ મિટિંગમાં 1100થી વધુ સંગઠનના કાર્યકર્તાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઉત્સાહ, ભક્તિ અને સેવા ભાવનાના સંગમ સાથે યોજાયેલી આ સંગઠન બેઠકમાં માત્ર 30 મિનિટમાં પાંચ લાખ રૂપિયાથી વધુનું દાન જાહેર થયું, જે સમાજની એકતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

રિલેટેડ ન્યૂઝ