સુનીતાની સિધ્ધિ જનરેશનને મોટું સપનું જોવા માટે પ્રેરિત કરશે: નાસા
ભારતીય મુળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ નાસાની સેવાથી નિવૃત્ત થઇ છે. તેણે 27 વર્ષ બાદ અમેરિકી સ્પેસ એજન્સીથી રિટાયર્મેન્ટ લઇ લીધું છે. નાસાએ જાહેરાત કરી છે કે વિલિયમ્સનું રિટાયર્મેન્ટ 27 ડિસેમ્બરથી જ અમલી બન્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ માત્ર 8 દિવસની અંતરિક્ષ યાત્રાએ ગયેલી સુનીતા વિલિયમ્સ લગભગ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી હતી. હાલ, તે ભારતમાં છે.
અમેરિકી નૌસેનાની પૂર્વ કેપ્ટન સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર-1965માં અમેરિકાના ઓહિયોના યુકલિડમાં થયો હતો. તેમના પિતા દીપક પંડ્યા ગુજરાતી હતા અને મહેસાણાના ઝુલાસન ગામના રહેવાસી હતા, જ્યારે તેમના માતા ઉર્સુલિન બોની પંડ્યા સ્લોવેનિયાની હતી.
નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને કહ્યું હતું કે સુનીતા વિલિયમ્સ માનવ અંતરિક્ષ યાનમાં એક પાયોનિયર રહી છે. તેમણે સ્પેસ સ્ટેશન પર પોતાના નેતૃત્વથી એક્સપ્લોરેશનના ભવિષ્યને નવો આકાર આપ્યો છે અને લો અર્થ ઓરબીટ માટે મિશનો માટે રસ્તો તૈયાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે તેમની સિદ્ધિઓ પેઢી (જનરેશન)ને સપના જોવા માટે પ્રેરિત કરશે. ઉલ્લેખનીય છે કે સુનિતા વર્ષ 1998માં નાસા માટે પસંદ કરાઇ હતી. તેણે ત્રણ મિશનો અંતર્ગત કુલ 608 દિવસ અંતરિક્ષમાં વીતાવ્યા છે. 9 વારમાં કુલ 62 કલાક 9 મીનીટ સ્પેસ વોક કર્યું છે. આ કોઇપણ મહિલા અંતરિક્ષ યાત્રીનો રેકોર્ડ છે. હાલમાં જ સુનીતા વિલિયમ્સે ભારતમાં અંતરિક્ષ યાત્રી સ્વ. કલ્પના ચાવલાની માતા સંયોગિતા અને બહેન દીપા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.
