એસઆઇઆરની કામગીરીની તપાસ કરવા કોંગ્રેસની માંગણી: કલેકટર કચેરીમાં બે કલાક ધરણા અને ઉગ્ર સુત્રોચ્ચાર
રાજકોટ જિલ્લા સહિત રાજયમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પુર્વે જ ચુંટણીપંચ શંકાના દાયરામાં આવેલ છે. મતદાર યાદીમાંથી સાચા મતદારોના નામો રદ કરવાની પેરવી સામે કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ઉઘડતી કચેરીએ જ રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારોએ વિશાળ સંખ્યામાં ઉમટી પડી આ મામલે સતત બે કલાક સુધી કલેકટર કચેરીના પટાંગણમાં જ કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારોએ બેસી જઈ ધરણા સૂત્રોચ્ચાર કરી આ મામલે કલેકટર ડો. ઓમપ્રકાશને આવેદન સુપ્રત કરવામાં આવેલ હતું. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચુંટણીપંચ અને વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સઘન સુધારણા સંદર્ભે ગત તા.19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ મતદાર યાદીના અનુસંધાને વાંધા-સૂચન-હકક દાવા માટે ફોર્મ નં.6,7 અને 8 ભરવાની અંતિમ તારીખ 18 જાન્યુ. નિયત કરવામાં આવી હતી. આ દરમિયાન ગત તા.16 થી સમગ્ર રાજયમાં મતદાર નામ કમી કરવાના માટેના ફોર્મ નં.7 હજારોની સંખ્યામાં સબમીટ થવા લાગ્યા છે. ફોર્મ નં.7 અંગે કાનુની સ્થિતિ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમો 1960ની જોગવાઈ અનુસાર આ ફોર્મ ત્યારે જ સબમીટ કરી શકાય છે અને દરેક અરજી ચુંટણી અધિકારી દ્વારા (નામ કાઢી નાંખવા માટે વાંધો) ફકત ત્યારે જ સબમીટ કરી શકાય છે. પરંતુ મળતી માહિતી મુજબ સતાધારી પક્ષ દ્વારા સુયોજીત રીતે ચોકકસ જ્ઞાતિ ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ કમી કરવા માટે રજુ થયેલ છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ જાડેજાએ જણાવી ઉમેર્યુ હતું કે ફોર્મ નં.7 વાંધાઓનું સંકલીત ફાઈલીંગ ભાજપ દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાંખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે ઈરાદાપૂર્વકનું કાવતરુ હોય તેવુ લાગે છે જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય કક્ષાનો રાજકીય પક્ષ છે. હાલના સંજોગોમાં સતાધારી પક્ષ સામે સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ ગણાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતના મતદારો મતદાનની વંચિત ન રહી જાય અને બદઈરાદાથી ભરાયેલા સાચા મતદારોના નામ કમી ન થઈ જાય તેમજ લોકશાહી જીવંત રહે તે તેઓની માંગણી છે. ફોર્મ નં.7 સબમીટ કરવાના સમયગાળાના છેલ્લા દિવસો એટલે કે ગત તા.16થી18 જાન્યુ. દરમ્યાન જેટલા પણ ફોર્મ-7 સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફીસોના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવે તેવી તેઓએ માંગણી તેઓએ વ્યક્ત કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું. રાજકોટ સહિત રાજયમાં 10 લાખ જેટલા મતદારોના નામ કમી કરવાનું આ ષડયંત્ર છે. જેમાં ભાજપની સાથે ચુંટણી તંત્ર અને વહીવટીતંત્રના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે.
આ મામલે જો પગલા નહી લેવાય તો કોર્ટના દ્વાર ખટખટાવી કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરાશે. આ રજુઆતમાં શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, સંજયભાઈ લાખાણી, હબીબભાઈ કટારીયા, રસીકભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ચૌહાણ, જીતુભાઈ રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
