જિલ્લાના કુલ રૂ. 215.65 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા. 28 જાન્યુઆરીના રોજ જૂનાગઢના પ્રવાસે આવશે. મુખ્યમંત્રી જૂનાગઢ શહેર અને જિલ્લાના કુલ રૂ. 215.65 કરોડના 26 જેટલા જનસુખાકારી અને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે તા. 28 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. મુખ્યમંત્રીને પીટીસી હેલીપેડ ખાતે બપોરના 4 કલાકે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ નરસિંહ મહેતા સરોવરના શહીદ સ્મારક ખાતે તકતી અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે મહાનગરપાલિકાના ફાયર સેફટીના વાહનોનું પણ લોકાર્પણ કરી લીલીઝંડી આપશે, આ ઉપરાંત મુખ્યમંત્રી નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું નિરીક્ષણ પણ કરશે, ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ જનસુખાકારી અને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સાસણ જવા માટે રવાના થશે.
