મુખ્યમંત્રીએ વંથલી ખાતે રૂપિયા 4.25 કરોડના ખર્ચ નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા અધ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કેશોદ ખાતે રૂ.10.12 કરોડના ખર્ચ નિર્મિત જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂક્યું
નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત રૂ.143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચ નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢમાં સગૌરવ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને તેના ઉત્કર્ષ માટે હર હંમેશ કાર્યરત રહેવાના પ્રશાસનને આપેલા દિશાદર્શનને જૂનાગઢ મહાનગરપાલિકાએ શેરી ફેરીયાઓ માટે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી રૂ. 215 કરોડના વિકાસકાર્યોની 26 ભેટ આપી હતી, જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને ’વિકાસ’નો ઉપહાર અર્પણ કરતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત રૂ. 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રી એ ગરવા ગિરનારના સાનિધ્યમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઐતિહાસિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ રૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું પણ એક જીવંત ઉદાહરણ બન્યું છે.
તેમણે જણાવ્યું કે, જૂનાગઢ શહેરને નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરરૂપે એક નવું નજરાણું મળ્યું છે, ત્યારે તેની જાળવણી અને સ્વચ્છતા રાખવાની પણ આપણા સૌની જવાબદારી છે, પ્રવાસનનું પણ હબ ગણાતા જૂનાગઢ શહેરમાં ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકો આવતા હોય ત્યારે સ્વચ્છતામાં ઉણપ ન રહેવી જોઈએ, આ માટે તેમણે પદાધિકારીઓ- અધિકારીઓ અને જનસહયોગથી સ્વચ્છતાની નેમને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય ઊર્જા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રીશ્રી કૌશિક વેકરીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કટીબદ્ધ છે. તેમણે જૂનાગઢ જિલ્લાને 215 કરોડ થી વધુના વિકાસ કામોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કરતા કહ્યુ હતુ કે, આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા કામોનું ખાતમુહૂર્ત થયા છે. જેમાં રસ્તાઓના નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રવાસન સુવિધામાં વધારો સહિતના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યો જૂનાગઢના અર્થતંત્રને વેગ આપશે અને સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના યુવાનો રમત ક્ષેત્રે કારકિર્દી બનાવે એ માટે રાજ્યના દરેક જિલ્લામાં સ્પોર્ટસ સંકુલની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગરપાલિકા દંડક કલ્પેશભાઈ અજવાણી, અગ્રણી કિરીટ પટેલ, પ્રદીપભાઈ ખીમાણી, મુકેશ દાસાણી, પુનિત શર્મા, જૂનાગઢ જિલ્લા કલકેટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ. પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હાજી રમકડું નું સાલ ઓઢાડીને વિશેષ સન્માન
જૂનાગઢના પ્રસિદ્ધ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઇ મીર (હાજી રમકડું)ને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં, આ તકે જુનાગઢ ખાતે જાહેર મંચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હાજી રમકડું નું સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢને રૂ. 215 કરોડના 26 વિકાસકાર્યોની ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવર ઉપરાંત અમૃત 2.0 યોજના હેઠળ પાણી વિતરણ માટે રૂ.7.35 કરોડના ખર્ચે નિર્મિત ધારાગઢ હેડ વર્કસ અંતર્ગત 100 લાખ લીટર ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સંપ અને 25 લાખ લિટરની ઊંચી ટાંકી, રૂ.13.07 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઉપરકોટ સુધી ટ્રાન્સમિશન લાઈન, જેનાથી એક લાખથી વધુ નાગરિકોને લાભ થશે, 157 જેટલા હોકર્સને કાયદેસર ઓળખ અને સન્માનપૂર્વકનું કાર્ય સ્થળ મળે તે માટે ગુજરાત અર્બન મિશન અંતર્ગત રૂ. 2.19 કરોડના ખર્ચે નિર્મિત મધુરમ વિસ્તારમાં સુવ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવેલા હોકર્સ ઝોન, આગ અકસ્માતના બનાવવામાં રક્ષણ માટે ઈમરજન્સી સેવામાં વધારો કરતા કુલ 2 ઇમર્જન્સી વ્હીકલ અને 7 મલ્ટી પર્પઝ ફાયર ટેન્ડર, ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રૂપિયા 1.10 કરોડના ખર્ચે 150 કિલોવોટની પાવર કેપેસિટી ધરાવતા સોલાર રૂફટોપ પ્લાન્ટ, કેશોદ ખાતે રૂપિયા 10.12 કરોડના ખર્ચે અગ્નિશમનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશન, વંથલી ખાતે રૂ.4.25 કરોડના ખર્ચે અધ્યતન આરોગ્ય સવલતો સાથેના 25 બેડની ક્ષમતાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જૂનાગઢ- શહેર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની ભૌતિક સુવિધાઓમાં વધારા કરતાં રૂ.10.58 કરોડના 7 કામો સહિતના વિકાસ અને જન સુવિધાના કામોનું લોકાર્પણ કર્યું હતું.
ઉપરાંત જૂનાગઢમાં રૂ.12.70 કરોડના ખર્ચે રમત ગમતની માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ઇન્ડોર સ્ટેડિયમ સહિતની સુવિધાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ.32.50 કરોડના ખર્ચે નિર્મિત થનાર સીસી રોડ, પેવર બ્લોક અને રીસર્ફેસિંગનું કામ, જૂનાગઢ – ખડીયા- મેંદરડા- સાસણ રોડનું રૂ.18.46 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ, વિછાવડથી નાના કોટડા રોડ પર ઓઝત નદી પર રૂ.3.70ના ખર્ચે નિર્મિત થનાર માઇનોર બ્રિજ, રાવણી- સુખપુર- છાલડા -વિછાવડ- મોટા કોટડા રોડ પર રૂ. 3 કરોડના ખર્ચે નિર્મિત થનાર માઇનોર બ્રિજ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ જમીન અને લોકોના આરોગ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા સવિશેષ અનુરોધ કર્યો
મુખ્યમંત્રી એ જળ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે વૃક્ષોના વાવેતર, જમીન અને લોકોના આરોગ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સવિશેષ અનુરોધ કર્યો હતો, તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ,ગરમી, ઠંડી અમર્યાદિતપણે પ્રકોપ વધ્યો છે, ત્યારે ગ્રીન કવર વધારવું આવશ્યક છે. તેમણે એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની વૃક્ષ ઉછેર માટે પણ અનુરોધ કર્યો હતો, ઉપરાંત કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે કામ કરવા પણ અપીલ કરી હતી, આ માટે રાજ્યના ધારાસભ્યોને અલગથી 50 લાખનું અનુદાન આપવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
