સુનવણી દરમિયાન એક પણ ગુનો નોંધાયો નહીં
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગઇકાલે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષ સ્થાને આયોજીત કરાયેલ લેન્ડગ્રેબીંગની બેઠકમાં 43 કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમ્યાન એક પણ કેસમાં પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવેલ નથી. જ્યારે આઠ કેસોમાં સમાધાન થવા પામેલ હતું. જ્યારે 33 જેટલા કેસો ડ્રોપ કરવામાં આવેલ હતા, આ ઉપરાંત બે કેસ પેન્ડીંગ રાખવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે સરકારી જમીનો પર પેસકદમી અને પારકી મીલ્કતો હડપ કરવાના સતત વધતા જતાં કિસ્સાઓમાં અરજદારોને યોગ્ય ન્યાય મળે તેમજ દોષિતો સામે કાયદાનો સિકંજો કસાઇ તે માટે આ લેન્ડગ્રેબીંગનો કાયદો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. પરંતુ લેન્ડગ્રેબીંગના માત્ર જુજ કેસોમાં જ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મોટા ભાગના કેસો પડતા મુકવામાં આવી રહ્યા છે અને આ લેન્ડગ્રેબીંગની બેઠકમાં અમુક કેસોમાં સમાધાન થઇ જાય છે. ગઇકાલે યોજાયેલ આ બેઠકમાં એક પણ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં નિર્ણય કમીટીને યોગ્ય નહીં જણાતા પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવેલ ન હતો.
