એલપીજીની ઉપલબ્ધતા અંગે ગ્રાહકોના દ્રષ્ટિકોણમાં સ્પષ્ટ અને હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં અગાઉની અછતની ચિંતા અને ગભરાટમાં કરવામાં આવતી ખરીદીના સ્થાને વધતા વિશ્વાસે સ્થાન લીધું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)ના જણાવ્યાં મુજબ, ભારત સરકારે લીધેલા અમલીકરણના મજબૂત પગલાં, સાતત્યપૂર્ણ પુરવઠો અને પારદર્શકતા માટેના નોંધપાત્ર ઉપાયોએ લોકોને નિર્બાધપણે સુવિધા મળતી રહેવાની ખાતરી આપી છે, જેના કારણે ગ્રાહકો જાગૃત અને ચિંતામુક્ત થયાં છે, જે ડિજિટલ સુવિધાને અપનાવવાના દરમાં થયેલા તીવ્ર વધારા અને સંગ્રહખોરીના બનાવોમાં થયેલા ઘટાડાને દર્શાવે છે.
સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા સંકલિત અભિયાનના ભાગરૂપે માર્ચ 2026થી 1.28 લાખથી વધુ તપાસ અને દરોડા પાડવામાં આવ્યાં છે, જેના પરિણામે 59,000થી વધુ એલપીજી સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. આ લક્ષિત પગલાંનો ઉદ્દેશ્ય સંગ્રહખોરી અને કાળાબજારને રોકવાનો, ઘરેલું એલપીજીને ગેરમાર્ગે જતાં રોકવાનો અને વિતરણ નેટવર્કમાં પારદર્શકતા વધારવાનો છે.
આ પ્રયાસોને પૂરક બની રહેવા માટે મંત્રાલયે એલપીજી વિતરણ કેન્દ્રો પર દેખરેખ અને નિરીક્ષણ મજબૂત બનાવ્યું છે, જેના પગલે અનુપાલન મજબૂત થયું છે અને તે ગ્રાહકોને એકસમાન પુરવઠો મળી રહે તેની ખાતરી કરે છે. આ પ્રયાસોને ટેક્નોલોજી આધારિત હસ્તક્ષેપો દ્વારા સમર્થન મળ્યું છે, જે ગ્રાહકોના અનુભવમાં ધરમૂળથી પરિવર્તન લાવી રહ્યાં છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ઓનલાઇન એલપીજી બૂકિંગ વધીને આશરે 98% થઈ ગયું છે, જ્યારે ઓટીપી-આધારિત ડિલિવરી પ્રમાણીકરણ 92%એ પહોંચી ગયું છે, જેના લીધે પારદર્શકતા, સુવિધા અને જવાબદારીમાં સુધારો થયો છે.
