40 મેટ્રીક ટન કોલસા સહિત રૂપીયા 51.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વેલાળા ગામે ગેરકાયદેસર ખનનની બાતમી મળતા નાયબ કલેકટર અને મામલતદારની ટીમે સંયુકત રેડ કરી હતી. જેમાં લોડર, ડમ્પર, 40 મેટ્રીક ટન કોલસા સહિત રૂપીયા 51.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓનો માહોલ છે. જેમાં ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાને ચોટીલા નગરપાલીકાની ચૂંટણી માટે આરઓ બનાવાયા છે.ત્યારે નાયબ કલેકટર ચૂંટણીમાં વ્યસ્ત હશે તેમ માની થાન તાલુકાના વેલાળા ગામની સીમમાં કુવો ખોદી તેમાંથી કોલસાનું ગેરકાયદેસર ખનન થતુ હોવાની બાતમી નાયબ કલેકટરને મળી હતી. આથી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમ અને થાન મામલતદારની ટીમે વેલાળાની સીમમાં મોડી રાતના સમયે રેડ કરી હતી.
જેમાં 1 લોડર મશીન, 1 ડમ્પર અને 40 મેટ્રીક ટન કોલસો મળી રૂપીયા 51.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખસેડાયો છે. આ ગેરકાયદેસર ખનન થાન તાલુકાના ખાખરાથળના અરવિંદ રમેશભાઈ સારદીયા, મુકેશ રાયસંગભાઈ સારદીયા અને સાયલા તાલુકાના મોરસલનો ઘુઘો ખાંભલા કરાવતા હોવાનું ખુલ્યુ છે.આથી આ ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ ગેરકાયદેસર પ્રવૃતી સ્થાનીક સ્તરે નાબુદ કરવાના મુદ્દે બેદરકારી દાખવનાર વેલાળા સરપંચ અને તલાટી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ