પાલનપુરના અઝહરખાનને ઝડપી લેતી શહેર એસઓજી બ્રાંચ
રાજકોટની પેડલર અફરોજ ઉર્ફે ફરીનને હથીયાર સપ્લાય કરનાર પાલનપુરનો અઝહરખાનને પણ એસઓજીની ટીમે દબોચી લઈ બંનેને રીમાન્ડ પર લેવાં તજવીજ આદરી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને ધ્યાને લઇ ડ્રગ્સની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહીની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઇ ફિરોજભાઈ રાઠોડ તથા ઇન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવડ રોડ રતન વિલાસ પેલેસની સામે આવેલ આદિત્ય-79 હાઉસીંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી બ્લોક નં. એચ/108 માં રહેતી મહિલા પાસે ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.
એસઓજીની ટીમે ત્યાંથી હાજર અફરોજબેન ઉર્ફે ફરીન ઇલીયાસ આરબીયાણી (ઉ.વ.38) ની ધરપકડ કરી દેશી બનાવટની પીસ્ટલ કબ્જે કરી હતી. મહિલાએ આ હથીયાર પાલનપુરના અઝહરખાન પઠાણ નામના શખ્સે સપ્લાય કર્યાની કબૂલાત આપતાં એસઓજીની ટીમે પાલનપુરના અઝહરખાન પઠાણને પણ દબોચી લઈ સઘન પૂછતાછ આદરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ અફરોજબેન ઉર્ફે ફરીન વિરુદ્ધ અગાઉ બનાસકાંઠાના આગથળા પોલીસ મથકમ એનડીપીએસનો ગુનો નોંધાઈ ચૂકેલ છે.
