રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 28 બેઠકોમાં ત્રિપાંખિયો મુકાબલો

ભાજપના 36, કોંગ્રેસના 34 અને ‘આપ’ના 33 ઉમેદવાર; અપક્ષ માત્ર ચાર : ચરખડી – સરધારમાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી

કોર્પોરેશન-પંચાયતો તથા નગરપાલિકાઓનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જવા સાથે પ્રચાર યુધ્ધના મંડાણ થયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર ભાજપ જ તમામ 36 બેઠકો લડે છે. કોંગ્રેસ 34 તથા આમ આમદી પાર્ટીના 33 બેઠકો પર ઉમેદવાર છે. અપક્ષની સંખ્યા માત્ર ચાર જ હોવાથી ગ્રામ્ય રાજકારણમાં સીધો જ ત્રિપાંખિયો જંગ થવાનું ચિત્ર ઉપસ્યું છે.26મી એપ્રિલે યોજાનારી પંચાયત ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ ખત્મ થતાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કુલ 109 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. કુલ આઠ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચ્યા હતા.અગાઉ 43 ઉમેદવારોના ફોર્મ ચકાસણી વખતે રદ થયા હતા. 109માંથી સૌથી વધુ 36 ઉમેદવારો ભાજપના છે જ્યારે કોંગ્રેસના 34, આમ આદમી પાર્ટીના 33, બહુજન સમાજ પાર્ટી તથા અન્ય પક્ષના 1-1 અને અપક્ષ તરીકે ચાર ઉમેદવારો છે.કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી ચરખડી અને સરધાર બેઠક પર તેના કોઇ ઉમેદવાર નથી. ચરખડીમાં પાર્ટીનું ઉમેદવારી ફોર્મ જ રજાુ થયું નહતું જ્યારે સરધારમાં પાર્ટીએ ઢાંકેચાને ટીકીટ આપી હતી જેઓએ ભાજપનો ખેસ પહેરીને ફોર્મ પાછું ખેંચી લીધું હતું.
જો કે, આ બેઠકો પર અન્ય ઉમેદવારો અકબંધ રહેતા તે બિનહરિફ થઇ ન હતી. આ જ રીતે આમ આદમી પાર્ટી (આપ)ના સુપેડી, પેઢલા તથા જામકંડોરણામાં ઉમેદવાર નથી જ્યાં અન્ય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠકો પર બિનહરિફ થઇ શકી નહતી.રસપ્રદ વાત એ છે કે, જિલ્લા પંચાયતની 36માંથી 28 બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે જ્યાં 3-3 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ચાર બેઠકો પર સીધો દ્વિપક્ષી જંગ છે અર્થાત બે-બે ઉમેદવારો વચ્ચે જ મુકાબલો છે. આ બેઠકોમાં ચરખડી, સુપેડી, પેઢલા તથા જામકંડોરણા બેઠક સામેલ છે.આ સિવાય જસદણ તાલુકાના ભાડલા બેઠક પરથી સૌથી વધુ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બે અપક્ષ છે. આ જ રીતે રાજકોટ તાલુકાના આણંદ પર તથા ઉપલેટા તાલુકાની ડુમીયાણી બેઠકોમાં 4-4 ઉમેદવારો રહ્યા છે.રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે જિલ્લા લેવલે અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી છે. આ સંજોગોમાં સીધો ત્રિપાંખીયો જંગ જ થવાના એંધાણ છે. પરિણામે ગ્રામ્યસ્તરે ચૂંટણી રસપ્રદ બનશે.રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં 595 ઉમેદવારો : કુલ 202 બેઠકો: ચાર બિનહરિફ રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોની પણ આગામી 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે તેમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા સાથે 202 બેઠકો માટે કુલ 595 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જુદા-જુદા તાલુકાની ચાર બેઠક બિનહરિફ થઇ છે. સૌથી વધુ 70 ઉમેદવારો જસદણ તાલુકાની બેઠકો પર છે.11 તાલુકા પંચાયત માટે કુલ 795 ફોર્મ ભરાયા હતા તેમાંથી 181 રદ થયા હતા અને 15 પાછા ખેંચાયા હતા. ભાજપના સૌથી વધુ 198 ઉમેદવારો છે. કોંગ્રેસના 178, ‘આપ’ના 180, બસપાના 4, સમાજવાદી પાર્ટીના 4 તથા અપક્ષના 31 છે.

કઇ બેઠક પર કેટલા ઉમેદવારો
જસદણ: જસદણ તાલુકાની 22 બેઠકો માટે 70 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ, ભાજપ તથા આપ દ્વારા તમામ 22 બેઠકો પર ઉમેદવાર ઉભા રખાયા છે. ગોંડલ: ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 57 ઉમેદવારો વચ્ચે જંગ છે. એક બેઠક બીન હરિફ થઇ છે. ભાજપના 21, કોંગ્રેસના 12 તથા ‘આપ’ના 21 ઉમેદવારો છે. રાજકોટ: રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી એક બીન હરિફ થઇ છે. ભાજપ-આપના 21-21 તથા કોંગ્રેસના 20 ઉમેદવાર મેદાનમાં છે કુલ 68 ઉમેદવારો છે. લોધિકા: લોધિકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠક પર જંગ જામશે. એક પણ બેઠક બીન હરિફ થઇ નથી. ભાજપના 16, કોંગ્રેસના 14 તથા ‘આપ’ના 15 ઉમેદવાર મેદાનમાં છે. કુલ 49 ઉમેદવારો છે. ધોરાજી: ધોરાજી તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 44 ઉમેદવારો મેદાનમાં છે. એક બેઠક બિનહરિફ થઇ છે. ભાજપ-કોંગ્રેસના 15 તથા ‘આપ’ના 12 ઉમેદવાર છે. ઉપલેટા: ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 62 ઉમેદવારો છે. કોંગ્રેસ-ભાજપ-આપ તમામ 18 બેઠક પર લડી રહી છે. કોટડા સાંગાણી: 16 બેઠકો માટે 43 ઉમેદવારો વચ્ચે જંગ છે. ભાજપ તથા ‘આપ’ના 16-16 અને કોંગ્રેસના 10 ઉમેદવાર છે. જેતપુર: જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠકમાંથી એક બીનહરિફ થઇ છે. કુલ 62 ઉમેદવાર છે. ભાજપ-કોંગ્રેસના 19-19 તથા ‘આપ’ના 8 ઉમેદવાર છે. પડધરી: પડધરી તાલુકાની 16 બેઠકોમાં કુલ 42 ઉમેદવારોમાં ભાજપ-કોંગ્રેસના 16-16 તથા ‘આપ’ના 10 છે એક પણ અપક્ષ ઉમેદવાર નથી. જામકંડોરણા: જામકંરોડણાની 16 બેઠક પર કુલ 46 ઉમેદવાર છે. ભાજપના 16, કોંગ્રેસના 14 અને ‘આપ’ના 12 છે. વિંછીયા: વિંછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાં બાવન ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. ભાજપ-કોંગ્રેસના 18-18, ‘આપ’ના 15 તથા એક અપક્ષ છે.

રિલેટેડ ન્યૂઝ