ABVP-NSUI વચ્ચે ઘર્ષણનો મામલો, પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલ સહિત 70થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ ABVP-NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા, ઋત્વિજ પટેલ સહિત 70થી 80ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો આમને-સામને થઈ ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં 10 દિવસ પહેલા જ એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહી લુહાણ થયા હતા. બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે.ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ પણ માગ્યો છે. તેમજ ઘાયલોના તાત્કાલિક નિવેદન લેવા માટે સૂચના આપી છે. હુમલાના વિરોધમાં NSUI દ્વારા બુધવાર સવારે 10થી બપોરે 12 વાગ્યા દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે કવિ નર્મદાના સ્ટેચ્યુ પાસે ધરણા કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ