નવી દિલ્હી તા. 22
દિલ્હીના શાહીન બાગમાં સીએએ અને એનઆરસીને લઇને છેલ્લા એક મહિનાથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. રોજ મહિલાઓ અહીં આવીને બેસે છે અને સરકાર સમક્ષ પોતાની માગ મુકી રહી છે. જોકે એવો દાવો કરાઇ રહ્યો છે કે સરકાર દ્વારા યોગ્ય પ્રતિભાવ ન મળતા હવે શાહીન બાગ અને અન્ય પ્રદર્શનકારીઓએ 29મીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ સીએએના સમર્થનમાં અને વિરોધમાં એમ 144 અરજીઓ થઇ છે, જેની સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે. સીએએના વિરોધીઓએ આ કાયદાને ગેરબંધારણીય અને ધાર્મીક આધારે ભેદભાવ કરનારો ગણાવ્યો છે જ્યારે સમર્થકોએ તેને દેશહિત માટે અને શરણાર્થીઓના હિત માટે ગણાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, ન્યાયાધીશ અબ્દુલ નજીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બેંચ આ વિવિધ અરજીઓની સુનાવણી હાથ ધરશે. જે 144 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે તેમાં 141 અરજીઓ આ કાયદાની વિરૂદ્ધમાં થઇ છે જ્યારે સમર્થનમાં માત્ર 4 અરજી જ થઇ છે. હવે આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિકાલ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
દરમિયાન શાહીન બાગમાં બેઠેલી મહિલાઓએ ભાજપ આઇટી સેલના હેડ અમિત માલવિયાને લિગલ નોટિસ મોકલી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે અમિત માલવિયાએ શાહીન બાગની મહિલાઓ પર જુઠા આરોપો લગાવી એક વીડિયો વાઇરલ કર્યો છે. એવો આરોપ લગાવ્યો છે કે શાહીન બાગની મહિલાઓ પૈસા લઇને પ્રદર્શનમાં આવે છે. જોકે આ આરોપોને લઇને કોઇ ચોક્કસ પુરાવા નથી અને ઉપર છલ્લા દાવા થયેલા છે.
તેનાથી મહિલાઓએ વીડિયો અને આ દાવાને લઇને અમિત માલવિયા પર માનહાનીનો દાવો ઠોકવાની ચીમકી ઉચ્ચારી છે અને આ મામલે હાલ પોતાનો જવાબ રજુ કરવા માટે લીગલ નોટિસ ફટકારી છે. આ અંગેની જાણકારી પ્રદર્શન કરી રહેલી મહિલાઓ અને અન્ય પ્રદર્શનકારીઓના વકીલ દ્વારા આપવામાં આવી હતી.
બીજી તરફ એવા અહેવાલો છે કે શાહીન બાગ અને અન્ય સૃથળોએ પ્રદર્શન કરી રહેલાઓએ 29મીએ સીએએના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે. જોકે દિલ્હીના ઉપ રાજ્યપાલ શાહીન બાન પહોંચ્યા હતા અને લોકોને પ્રદર્શન બંધ કરવાની અપીલ કરી હતી જેની કોઇ અસર નહોંતી પહોંચી. એક પ્રતિિનિધ મંડળે ઉપ રાજ્યપાલને મળીને સીએએ પરત લેવાની અપીલ કરી હતી.
