મુંબઈ તા.22
સાંઇબાબાના જન્મસ્થળ અંગે ઊભા થયેલા વિવાદનો અંત
આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે પાથરી જ સાંઇબાબાનું જન્મ
સ્થળ હોવાનો ઠરાવ પાથરીની ગ્રામસભામાં મંજૂર કરવામાં આવ્યો છે. હવે પાથરીનું પ્રતિનિધિમંડળ આજે બુધવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેશે.
આ સંદર્ભે સમિતિની નિમણૂક કરવામાં આવે, એવી વિનંતી તેઓ મુખ્ય પ્રધાનને કરશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પાથરીનો ઉલ્લેખ સાંઇબાબાના જન્મથળ તરીકે કરીને પાથરી માટે વિકાસ યોજના જાહેર કરતા વિવાદ સર્જાયો હતો. પાથરી નહીં, પણ શિર્ડી જ સાંઇબાબાનું જન્મસ્થળ હોવાનો દાવો કરીને પાથરીના લોકોના વિરોધમાં શિર્ડીગરાઓએ બેમુદત શિર્ડી બંધનું એલાન કર્યું હતું. આ મુદ્દે ચર્ચા કરીને વિવાદનો અંત લાવવાનું મુખ્ય પ્રધાને આશ્ર્વાસન આપતા શિર્ડીના લોકોએ રવિવારે રાત્રે બંધ પાછો ખેચ્યો હતો. મુખ્ય પ્રધાને સોમવારે મંત્રાલયમાં બેઠક બોલાવીને પાથરીને સાંઇબાબાના જન્મસ્થળ નહીં, પણ ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવાનું જાહેર કરીને વિવાદનો અંત લાવ્યો હતો. જોકે, પાથરીની ગ્રામસભામાં મંગળવારે પાથરી જ સાંઇબાબાનું જન્મસ્થળ હોવાનો ઠરાવ પસાર કરવામાં આવતા વિવાદ ફરી જાગ્યો છે. આ સંદર્ભે એક સમિતિની રચના કરવાની વિનંતી સાથે પાથરીનું એક પ્રતિનિધિમંડળ બુધવારે મુખ્ય પ્રધાનની મુલાકાત લેશે.
