રાજકોટ મ્યુ.કમિશ્ર્નરનો સપાટો; બીગબજાર, પેન્ટાલુન જેવા મોટા શો-રૂમ, કારખાનાઓ શીલ

રાજકોટ તા.5
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા ફરી એક વખત મિલ્કત વેરો નહીં ભરનાર આસામીઓ વિરૂધ્ધ મેગા રીકવરી ઝુંબેશ શરૂ કરી 1 લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના આસામીઓની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા આજરોજ બિગબાઝાર, ક્રિસ્ટલ મોલ, પેન્ટાલૂન તેમજ અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સહિત 142 મિલકતો સીલ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
મનપાના વેરા વિભાગનો વાર્ષિક લક્ષ્યાંક 260 કરોડની પૂરતી માટે મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં આવેલ કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ મિલ્કતો વિરુધ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી છે. 103 કરોડની ઉઘરાણી માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અલગ-અલગ વિભાગમાંથી કર્મચારીઓની છટણી કરી વેરા વિભાગને 400 કર્મીઓ ફાળવ્યા હતા. જેઓ આજરોજ બાકીદારો ઉપર તુટી પડતા અનેક આસામીઓ પોતાની મિલ્કતોને તાળા મારી પોબારા ભણી ગયા હતા. વેરા વિભાગ દ્વારા આજે વહેલી સવારથી રીકવરી ઝુંબેશ શરૂ કરી બિગબાઝાર, ક્રિસ્ટલ મોલ, પેન્ટાલૂન પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ મોટા કારખાનાઓ એગોન પમ્પસ, ડાયનેમિક ફોર્જીંગ સહિત 142 યુનિટો સીલ કરી રૂા.1.08 કરોડની વેરા વસુલાત કરી હતી. મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલની સુચના મુજબ વેરા વિભાગના આસી. કમિશ્નર હરેશ કગથરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનમાં રીકવરી ઝુંબેશ અંતર્ગત સીલીંગ કાર્યવાહી શરૂ
કરાઇ હતી.
આજરોજ શહેરની મોટી મિલ્કતો સીલ કરવાના આદેશ કરવામાં આવતા 150 ફુટ રીંગરોડ ઉપર આવેલ બીગ બજારના વેરા પેટે રૂા.97.70 લાખ બાકી હોય સીલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાજુમાં આવેલ પેન્ટાલુનના રૂા.39.36 લાખની રીકવરી અંતર્ગત સીલ કરવામાં આવેલ. જ્યારે કાલાવડ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ મોલમાં આવેલ યુનિટ નં.303 સીલ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે મવડી ચોકડીએ ખોડીયાર ડાઇનીંગ હોલ, શ્યામ કોમ્પ., રાજકોટવાલા બીલ્ડીંગ ત્રીજો માળ, બેકબોન શોપીંગ સેન્ટરમાં બે યુનિટ સીલ, રેગોન પમ્પ્સ ડાયનેમીક ફોર્જીંગ, ક્રાંતિ એન્જીનીયરીંગ, મીરા ફાઉન્ડ્રી અને પટેલનગરમાં છ કારખાના તેમજ આરતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પાંચ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી હતી.
વેરા વિભાગની 400 કર્મચારીઓની ફોજ દ્વારા સીલીંગ કામગીરી વેગવંતી બનાવી સેન્ટ્રલ ઝોનમાં કારખાનાઓ સહિત 41 મિલ્કતો સીલ કરી રૂા.31.86 લાખની વેરા વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં બીગ બઝાર પેન્ટાલુન સહિતની 50 મોટી મિલ્કતો સીલ કરી રૂા.37.76 લાખની વેરા વસુલાત કરવામાં આવેલ. જ્યારે ઇસ્ટ ઝોનમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, પટેલનગર યોગેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા, આરતી ઇન્ડ. એરીયા આજી જીઆઇડીસી, મીરા ઉદ્યોગ સહિતના ઔદ્યોગીક વિસ્તારોમાં આવેલ 51 કારખાના સહિતની મિલ્કતો સીલ કરી રૂા.37.75 લાખની વસુલાત હાથ ધરવામાં આવી હતી. વેરા વિભાગ દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં 142 મિલ્કતો સીલ કરી રૂા.1.08 કરોડની રીકવરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યારે પણ સીલીંગ કામગીરી ચાલુ હોય સાંજ સુધીમાં વધુ મિલ્કતો સીલ થવાની સંભાવના વેરા વિભાગે વ્યક્ત કરી છે.
વેરા વિભાગ દ્વારા સીલીંગ કામગીરી દરમ્યાન વોર્ડ નં.1 માં બે યુનિટ, વોર્ડ નં.2 માં 9 યુનિટ, વોર્ડ નં.3 માં પાંચ યુનિટ, વોર્ડ નં.4 માંં બોસમ સ્કુલ સીલ કરતા સ્થળ ઉપર રીકવરી, વોર્ડ નં.5 માં હેપ્પી બેંકવેટ હોલ સીલ કરતા સ્થળ ઉપર ચેક આપેલ. વોર્ડ નં.6 માં પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં 4 યુનિટ સીલ અને 3.50 લાખની રીકવરી, વોર્ડ નં.7 માં વૃંદા આર્કેડ 9 દુકાન સીલ, રાજકૃતિ બીલ્ડીંગમાં 1 દુકાન સીલ કરવામાં આવેલ, વોર્ડ નં.8 માં બીગ બજાર, પેન્ટાલુન સીલ કરવામાં આવેલ. જ્યારે ન્યુએરા સ્કુલને સીલ કરાતા સ્થળ ઉપર વેરો ભરપાઇ કર્યો હતો. વોર્ડ નં.9 માં રૈયા ચોકડીએ અંબીકા કોમ્પ્લેક્ષની 31 દુકાન સીલ કરાઇ હતી. વોર્ડ નં.10 માં ક્રિસ્ટલ મોલનું એક યુનિટ તેમજ ક્રાઇસ્ટ સ્કુલને સીલ કરવાની કામગીરી કરતા સ્થળ ઉપર વેરો ભરપાઇ કરવામાં આવેલ. વોર્ડ નં.11 માં ક્રીએટીવ સ્કુલને સીલ કરાતા સ્થળ ઉપર રીકવરી થયેલ. વોર્ડ નં.12 માં મવડી ચોકડીએ ખોડીયાર ડાઇનીંગ હોલ, શ્યામ કોમ્પ. રાજકોટવાલા બીલ્ડીંગ સહિત 9 યુનિટ સીલ કરાયેલ, વોર્ડ નં.13 સમ્રાટ ઇન્ડ. એરીયા તેમજ મારૂતિ ઇન્ડ. એરીયા, બેકબોન શોપીંગ સેન્ટરમાં બે યુનિટ સીલ કરાયેલ, વોર્ડ નં.14 માં અંજલી એપાર્ટમેન્ટમાં 1 બ્લોક સીલ કરવામાં આવેલ. જ્યારે વોર્ડ નં.15 માં રેગોન પમ્પ્સ, ડાયનેમીક ફોર્જીંગ, ક્રાંતિ એન્જી. મીરા ફાઉન્ડ્રીને સીલ મારવામાં આવ્યા હતા. વોર્ડ નં.16 માં છ યુનિટ સીલ કરતા સ્થળ ઉપર રીકવરી થયેલ. જ્યારે વોર્ડ નં.17 માં યોગેશ્ર્વર ઇન્ડ., પરમેશ્ર્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સીલીંગ દરમ્યાન વેરા વસુલાત કરવામાં આવેલ. વોર્ડ નં.18 માં આરતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પાંચ કારખાનાઓ સીલ કરી રૂા.5.30 લાખની વેરા વસુલાત કરી હતી. આમ સેન્ટ્રલ ઝોનમાં 41, વેસ્ટ ઝોનમાં 50 અને ઇસ્ટ ઝોનમાં 51 મિલ્કતો સહિત 142 મિલ્કતો સીલ કરી રૂા.1.08 કરોડની વેરા વસુલાત હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ