રાજકોટ: પોલીસની હાજરીમાં હત્યાનો મામલો, PIની બદલી કરાઈ – PSIને સસ્પેન્ડ કરાયો

રાજકોટમાં ૨૮મી તારીખના રોજ ઠેબચડા ગામે પોલીસની હાજરીમાં જ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઠેબચડા ગામે છેલ્લા કેટલાય સમયથી બીજલ કોળી અને લખધીર સિંહ જાડેજા વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા જમીન વિવાદનો ચુકાદો લખધીરસિંહ જાડેજાની તરફેણમાં સંભળાવ્યો હતો. તો સાથે જ બીજલ કોળી અને તેના પરિવારને જમીનનો કબજો ખાલી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ છેલ્લા દોઢેક વર્ષથી બીજલ કોડી અને તેનો પરિવાર વિવાદિત જમીન પર કબજો યથાવત રાખ્યો હતો. જેના કારણે ગત 28મી જાન્યુઆરીના રોજ લખધીરસિંહ જાડેજા પોલીસને સાથે રાખી વિવાદિત જમીનનો કબજો મેળવવા વિવાદિત જમીન ના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ઉભા પાકની વચ્ચે છુપાયેલા બીજલ કોળી અને તેના પરિવારના ૨૧ જેટલા શખ્સોએ લખધીરસિંહ જાડેજા પર હુમલો કરતા તેમનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસે પ્રથમ બાર અને ત્યારબાદ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આમ કુલ આ કેસમાં પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી હતી જે પૈકી કોર્ટ દ્વારા પોલીસને મુખ્ય ત્રણ આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, પોલીસને કોર્ટ દ્વારા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત પોલીસે ચાર દિવસમાં આરોપીઓની પૂછપરછ પણ કરી હતી તો સાથે હત્યાના ઘટના સ્થળે લઇ જઇ આરોપીઓ પાસેથીતેમજ પંચનામાની કાર્યવાહી પણ કરાવી હતી.

ત્યારે સમગ્ર મામલે હાલ તમામ આરોપીઓ જેલ હવાલે છે તો બીજી તરફ પોલીસની હાજરીમાં જ હત્યાનો બનાવ બનતા પ્રથમ દિવસથી જ આ સમગ્ર મામલે એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેનું સુપરવિઝન ડીસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા હતા. ત્યારે આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજીત સિંહ ચાવડાની બદલી કરવામાં આવી છે તેમની બદલી આજીડેમ પોલીસ સ્ટેશનથી રીડર શાખામાં કરવામાં આવી છે, જ્યારે કે સબ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં મેહુલ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ