અમદાવાદ: ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી જ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ જે રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. ભાટ રોડથી શરૂ કરીને સાબરમતી ટોલનાકા, પરિમલ અને કોટેશ્વર વાળો રોડ, મોટેરા ગામ અને સ્ટેડિયમ સહિત અંદાજે 10 કિલો મીટર જેટલા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
મ્યુ.કમિ.એ વિવિધ વિભાગોને કામગીરી સોંપી, સાબરમતી આશ્રમનો પણ ઉલ્લેખ
મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો પરિપત્ર કરી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વડાઓને સોંપાઇ છે. આ પરિપત્રમાં કોઇ ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. મોટેરા સ્ટેડીયમ ઉપરાંત ગાંધી આશ્રમનો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે. આમ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે તે વાત પણ નક્કી થઈ ગઈ છે. કોર્પોરેશનના અધિકારીઓને મોટેરા સ્ટેડિયમને જોડતા તમામ રોડ તથા ગાંધી આશ્રમ અને મહાનુભાવોની મુલાકાતના રૂટના તમામ રોડ રિપેર કરવાની અને સાફ-સફાઈ કરવાની કામગીરી, સ્ટેડિયમની આસપાસ બસો માટે અન્ય લોકો માટે તથા અન્ય જિલ્લામાંથી આવનાર બસો અને વાહનોના પાર્કિંગ પ્લોટની ઓળખ કરી તેના લેવલિંગ સહિતની કામગીરી, કાર્યક્રમ સ્થળે જરૂરી બસની વ્યવસ્થા, મહાનુભાવોની મુલાકાત સંદર્ભે એરપોર્ટ સર્કલથી ગાંધી
આશ્રમ સુધીના રૂટ પર જાહેર અભિવાદન સહિતની કામગીરી સોંપવામાં આવી છે.
ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે સહિતની તપાસ
સ્ટેડિયમની આસપાસના તમામ બંગલોઝ, સોસાયટી, ફ્લેટ, ચાલી અથવા તો સિંગલ મકાન હોય તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ચાંદખેડા પોલીસ, સાબરમતી પોલીસ તેમજ ઝોન 2નો પોલીસ સ્ટાફ ઘરે ઘરે જઈ કરી રહી છે. ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે, ભાડૂઆત છે કે પોતાનું મકાન છે?, ભાડૂઆત છે તો કેટલા સમયથી રહે છે તેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે કે કેમ તે તમામ વિગતો મેળવી તેનો ડેટા બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત પોલીસ 1-2 મહિનામાં કે 15 દિવસથી ભાડે રહેવા આવ્યા હોય તો તેવા તમામ લોકોની સઘન તપાસ ચલાવી રહી છે.
