કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં લીલીજંડી
જસદણ નગરપાલિકા ખાતે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને રજૂ કરવામાં આવેલા તમામ 15 એજન્ડાઓને સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
આ સામાન્ય સભાની ખાસ વિશેષતા એ રહી હતી કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ સદસ્યોએ જનહિતના કામો માટે એકસૂત્રતા દાખવી હતી. રજૂ કરવામાં આવેલા 15 મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ શહેરના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસલક્ષી આયોજનોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નગરપાલિકાના વહીવટ અને વિકાસ કાર્યો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે નગરપાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં પી.વી. ભાયાણી(ચેરમેન, આયોજન સમિતિ), કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા(ચેરમેન, કારોબારી સમિતિ), બીજલભાઈ ભેંસજાળીયા(સદસ્ય) તથા અન્ય ચુંટાયેલા સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે, તમામ સદસ્યોના સહકારથી જસદણના વિકાસ માટેના મહત્વના કામોને મંજૂરી મળી છે, જે આગામી સમયમાં શહેરની સુખાકારીમાં વધારો કરશે.
