Jai Hind

પત્રકારત્વમાં આગવી ઓળખ ઉભી કરનાર… જમાવટના દેવાંશી જોષીને આવતીકાલે મોરારિબાપુના હસ્તે નચિકેતા એવોર્ડ અર્પણ


લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાશે એવોર્ડ

પત્રકાર, લેખક અને વક્તા સ્વ. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા પત્રકારને ‘નચિકેત એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ‘ જમાવટ’નાં દેવાંશી જોશીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ તા. 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 કલાકે, કે.જી. ધોળકિયા સ્કૂલ ઓડીટોરીયમ, બાલાજી હોલ પાસે, મહાપૂજા ધામ ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ એવોર્ડમાં રૂપિયા 1,25,000ની રાશી અને શિલ્ડ એનાયત થશે.
ડિજિટલ મીડિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનારાં દેવાંશી જોશી આજે ગુજરાતભરમાં અત્યંત લોકપ્રિય છે. ગુજરાતી પત્રકારત્વમાં ડિજિટલ મીડિયાની શરૂઆત તેમણે ખુબ નાની વયે કરી અને ટૂંકા ગાળામાં જ પ્રતીતિજનક સફળતા મેળવી છે. લુણાવાડા પાસેના વડાગામમાં જન્મેલાં દેવાંશીએ બી.એસ.સી. માઈક્રોબાયોલોજી કર્યા બાદ પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશતા પૂર્વે તેનો વિધિવત અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ટીવી પત્રકારત્વમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જીટીપીએલ, એબીપી અસ્મિતા, ઝી 24 કલાક અને સંદેશ ન્યૂઝમાં કુલ આઠ વર્ષ કામ કર્યા બાદ, તેમણે 2022માં ‘જમાવટ’ મીડિયાની શરૂઆત કરી હતી. મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના સમયે તેમના ગ્રાઉન્ડ રિપોર્ટ અને વિશ્લેષણ ખુબ જ વાયરલ થયા હતા અને લોકો દ્વારા સરાહના પામ્યા હતા.