Jai Hind

રાજકોટમાં પોલીસના નામે 30 હજાર પડાવનાર સંદિપ ઉર્ફે ગાંડો ઝડપાયો

મુદામાલ કબ્જે, સાગરીતની શોધખોળ
રાજકોટના કુખ્યાત શખ્સોને ખાખીનો ભય જ હોય તેમ ડુપ્લીકેટ પોલીસ બની લોકોને ખંખેરી રહ્યાં છે. ત્યારે ફરી વાર નામચીન સંદીપ ઉર્ફે ગાંડો સહિત બે શખ્સોએ એસ્ટ્રોન ચોક પાસે પ્રૌઢને અટકાવી પોલીસની ઓળખ આપી અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ 30 હજાર પડાવી લીધા હતાં. જે અંગેની ફરીયાદ પરથી પોલીસે એક શખ્સને સકંજામાં લઈ મુદામાલ રિકવર કર્યો હતો.
બનાવ અંગે જામનગર રોડ પર આવેલ પરા પીપળીયા ગામે આવેલ એકતા સોસાયટીમાં શેરી નં.05 માં રહેતાં જનાર્ધનભાઈ રામનરેશભાઈ સહાની (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદીપ નામનો શખ્સ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક કલરકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.ગઇ તા.25 ના બપોરના અઢીક વાગ્યાની આસપાસ તેઓ પોતાનું બાઈક લઈ વીરાણી ચોક પાસે આવેલ તેમના કામનુ સ્થળ વનદ્વારકા બિલ્ડીંગથી ઘરે જમવા માટે જતો હતો, ત્યારે ટાગોર રોડ એસ્ટ્રોન ચોક પાસે આવેલ વીરમણી સ્વીટ્સની દુકાન પાસે પોણા ત્રણેક વાગ્યાની આસપાસ રોડ ઉપર પહોંચેલ ત્યારે ફાકી ખાવા માટે બાઈક ઉભુ રાખેલ ત્યારે પાછળથી કોઈ અજાણ્યા બે શખ્સો એક એક્ટીવામાં ઘસી આવી ફરીયાદી પાસે આવેલ અને કહેવા લાગેલ કે, અમે બન્ને પોલીસ છીએ, તુ પોલીસ સ્ટેશન ચાલ, જેથી તેઓએ અજાણ્યા બે માણસોને કહ્યું કે, મારો વાંક શું છે? તેમ કહેતા તેમાથી એક શખ્સે તેઓનો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લઈ તેઓના બાઈકમાં જ પાછળ બેસાડીને તથા બીજો અજાણ્યો શખ્સ તેના એક્ટીવા લઇને ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં-9 ખાતે લઇ ગયેલ અને ત્યાં શેરીમાં બાઈક ઉભુ રાખી કહેવા લાગેલ કે “તારા બેન્ક એકાઉન્ટમાથી મારા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્ફર કરી આપ તો જ તને તારા ઘરે જવા દઈશ.
જેથી બંને અજાણ્યા શખ્સોને કહેલ કે, મને ઓનલાઇન પૈસા નાખતા નથી આવડતુ, તો તે બન્ને શખ્સોએ કહેલ કે, તો ચાલ પોલીસ સ્ટેશન એમ કહીને ત્યાંથી પંચવટી સોસાયટી તરફ ફરીયાદીને તેમના જ બાઈકમાં બેસાડીને લઈ ગયેલ અને રસ્તામાં ફોન આપીને કહેલ કે, તારા ઓળખીતાને ફોન કર અને તેની પાસેથી રોકડા રૂ.30 હજારની વ્યવસ્થા કરી આપ અને તારા ઘરે ઇમરજન્સી પૈસાની જરૂર હોય જેથી રૂપિયા જોઇએ છે તેવુ કહેવા જણાવેલ હતું. જેથી તેઓએ ઓળખીતા અંબારામભાઈને ફોન કરીને 30 હજાર રૂપિયા ઉછીના માંગેલ તો તેણે હા પાડેલ અને તેમની રાજનગર ચોક પાસે આવેલ પટેલ પેઈન્ટ્સ નામની કલરની દુકાને બોલાવેલ જેથી આ બન્ને શખ્સોને કહેલ કે “પૈસા લેવા માટે રાજનગર ચોક પાસે ઓળખીતા અંબારામભાઈની કલરની દુકાને જવુ પડશે, જેથી તેઓ બન્ને સાથે રાજનગર ચોક ખાતે આવેલ અને દુર ચોકમા ઉભા રહી તેઓને ઓળખીતાની દુકાનેથી પૈસા લેવા માટે મોકલેલ હતાં. ફરીયાદી ઓળખીતાની દુકાને જઇને તેની પાસેથી રૂ.30 હજાર ઉછીના લઇને આ અજાણ્યા શખ્સો પાસે જઈને તેમને આપેલ હતાં. ત્યારે એક શખ્સે બીજાને કહેલ કે, લે સંદિપ આ રૂપિયા, જેથી તે બે અજાણ્યા માણસોમાથી એકનું નામ સંદિપ હોવાનુ જાણવા મળેલ હતું. બાદ તે અજાણ્યા માણસે બાઇકની ચાવી પરત આપેલ અને ત્યાંથી બાઈક લઇને જતુ રહેવા જણાવેલ હતું જેથી તેઓ રૈયા ટેલીફોન એક્સચેંજ પાસે આવેલ મિત્ર મનિષભાઇની શિતલ પેઇન્ટ્સ નામની દુકાને ગયેલ બાદ ત્યાથી ઘરે જતો રહેલ. જે બાદ ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.એન.રાણા અને ટીમે તપાસ આદરી પોલીસની ઓળખ આપી પ્રૌઢને લૂંટી લેનાર સંદિપ ઉર્ફે ગાંડા નામના શખ્સને સકંજામાં લઇ મુદામાલ રિકવર કર્યો હતો. જ્યારે તેનો સાગરીત અલ્તાફ મેમણ ફરાર રહેતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.