Jai Hind

મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું બહુમાન કરાયું

મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવામાં અધિકારી કર્મચારીઓના ટીમવર્ક અને સંકલનથી થયેલી કામગીરી પ્રેરણારૂપ બની : કલેકટર અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢનો મીનીકુંભ સમાન મહાશિવરાત્રીના મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેને સફળ બનાવવામાં જેમનો મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે, તેવા અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. આ સાથે સન્માનિત અધિકારી કર્મચારીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેકટર એ મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરનાર અધિકારી કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પહેલથી મોટા ફલક પર આયોજિત મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્રના સર્વે અધિકારી કર્મચારીઓની કામગીરી પ્રેરણા રૂપ બની રહી છે, અધિકારી કર્મચારીઓએ અહમને કોરાણે મૂકીને સંકલન અને ટીમવર્કથી કરેલી કામગીરીથી મહાશિવરાત્રીનો મેળો સફળ બનવાની સાથે તેની નવી ઊંચાઈ પણ મળી છે.
જિલ્લા કલેકટર એ એમ પણ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળા માટે વહીવટી તંત્ર દ્વારા જે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, તેને કુશળતા સાથે સફળતાપૂર્વક ધરાતલ પર ઉતારવાનું કામ અધિકારી, કર્મચારીઓએ કર્યું છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે કર્યું હતું.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા તથા પ્રતીક જૈન સહિત વહીવટી તંત્રના જુદા જુદા વિભાગના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.