વન વિભાગની ટીમે ચોપાટી મેદાન ખાતે દરોડો પાડ્યો
પોરબંદરના ચોપાટી મેદાનમાં કેટલાક મધ્યપ્રદેશના ઈસમો સિંહ અને વાઘના શંકાસ્પદ અવશેષો લઈને આવ્યા હોવાની માહિતીના આધારે વન વિભાગે દરોડો પાડ્યો હતો અને ધરપકડ કરી હતી.
ચોપાટી પાસે દરોડો
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદકુડેના માર્ગદર્શન હેઠળ, બરડા અભ્યારણ્ય (રાણાવાવ) ની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં કેટલાક પરપ્રાંતીય લોકો વન્ય પ્રાણીઓના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ અને વેપાર કરતા હોવાની હકીકત સામે આવી હતી.
ધરપકડ અને કાર્યવાહી વન
વિભાગની ટીમે આ મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સામે ‘ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972’ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી વન્ય પ્રાણીઓના શંકાસ્પદ નખ તેમજ કસ્તૂરી મૃગના શંકાસ્પદ કસ્તૂરી પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે
એફ.એસ.એલ. તપાસ થશે
જપ્ત કરાયેલા આ અવશેષો સાચે જ વન્ય પ્રાણીઓના છે કે કેમ તેની ખાતરી કરવા માટે મુદ્દામાલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીના પરીક્ષણ બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
પકડાયેલા ઈસમો પાસેથી અંદાજે 10 લાખનો મળ્યો મુદ્દામાલ
વન વિભાગની ટીમે પકડી પાડેલા ચાર ઈસમો પાસેથી અંદાજે 10 લાખનો મુદ્દામાલ મળ્યો છે. સિલેંડર પરાધી આદિવાસી, ચમાંચમ બાય સિલેંડર કહીના, જલ મેહાન પવાર આદિવાસી ,તનકસિંહ બાવલસિંહ આદિવાસી નામના ઇસમો પાસેથી ગિલોલ, કરવત, છરી, કુહાડો તથા વન્ય પ્રાણી ના અવશેષો મળી અંદાજે દસેક લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.