Jai Hind

પોરબંદરમાં બે વર્ષ પહેલા પત્નીની ઘાતકી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની પડી સજા

વહેલી સવારે ટ્રેક્ટરમાં રાખેલી લાશ સ્મશાને પહોંચે તે પહેલા પોલીસે રસ્તામાંથી તેને અટકાવીને મૃતદેહને પી.એમ.રૂમે પહોંચાડ્યા બાદ ફૂટ્યો હતો ભાંડો: નેત્રમના સીસીટીવી ફૂટેજ તથા નજરે જોનારા સાક્ષીના નિવેદનના આધારે ગુનો થયો પુરવાર

પોરબંદરમાં પત્નીની ઘાતકી હત્યા કરીને વહેલી સવારે ટ્રેક્ટરમાં રાખેલી લાશ સ્મશાને પહોંચે તે પહેલા પોલીસે રસ્તામાંથી તેને અટકાવીને મૃતદેહને પી.એમ.રૂમે પહોંચાડ્યાના બે વર્ષ પહેલાના બનાવમાં હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બનાવમાં મૃતકના સાસુ ને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે
ગુનાની ટૂંકી હકીકત
પોરબંદરના નરસંગ ટેકરીના પુલ નીચે રહેતી સંગીતાબેનને તેના પતિ સાજણ કાળુ ડાભી અને સાસુ કુલીયાબેન કાળુભાઈ ડાભીએ ચારિત્ર્ય અંગે શંકા રાખી આડેધડ માર મારી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને સ્મશાને અગ્નિદાહ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ રાકેશ સોમનાથ ગાયકવાડે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ અને ધરપકડ
પોલીસ ઈન્સપેક્ટર વી.પી.પરમારે તપાસ કરતા વહેલી સવારે સ્મશાને ટ્રેક્ટર મારફતે એક સ્ત્રીની લાશ લઈને જતા એક-બે પુરુષો અને સ્ત્રીઓ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક લાશને પી.એમ. માટે મોકલી હતી. પી.એમ. દરમિયાન મૃતકના શરીરે 40 જેટલા ઈજાના નિશાનો મળી આવ્યા હતા.પોલીસે આરોપી સાજણ કાળુભાઈ ડાભી તથા કુલીયાબેન કાળુભાઈ ડાભીની ધરપકડ કરી હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા.
કોર્ટ કાર્યવાહી અને મહત્વના પુરાવા
આ કેસમાં સરકારી વકીલ અનિલ જે. લીલા રોકાયા હતા. પ્રોસીક્યુશન તરફથી 25 મૌખિક સાક્ષીઓની જુબાની લેવામાં આવી. 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા.આરોપીઓ વહેલી સવારે ટ્રેક્ટરમાં લાશ લઈને સ્મશાને જતા હોવાના નેત્રમ પોર્ટલના ઈઈઝટ ફૂટેજ પુરાવા રજૂ કરાયા હતા.
મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનો, બનાવ નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો રજૂ કરાયા હતા. આરોપીઓએ બનાવના આગલા દિવસે મૃતક સાથે ઝઘડો કરી માર માર્યો હોવાના પુરાવા પણ રજૂ થયા હતા. સરકારી વકીલ અનિલ જે. લીલાએ દલીલ કરી કે આરોપીઓએ ચારિત્ર્યની શંકાએ ઘાતકી હત્યા કરી છે.પ્રોસીક્યુશન દ્વારા રજૂ થયેલ તમામ મૌખિક, દસ્તાવેજી અને ઈઈઝટ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને એડિશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્માએ મુખ્ય આરોપી સાજણ કાળુભાઈ ડાભીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કર્યો છે. આ બનાવમાં મૃતકના સાસુ ફુલિયાબેન ડાભીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.