પોલીસ ચોપડે કોઇ જ વિગતો જાહેર થઇ નહી: બોલેરોને થયુ ખૂબ મોટુ નુકશાન
ત્રણ માઇલ નજીક પોલીસ વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેની પોલીસ ચોપડે કોઇ જ વિગતો જાહેર થઇ નથી. બોલેરોને ખૂબ મોટુ નુકશાન થયુ છે.
બનાવ અંગે વિગત એવી છે કે પોરબંદરના નેવલ બેઇઝથી ત્રણ માઇલ તરફ જતા રસ્તે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ કરી રહેલ વાહન સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસનો સરકારી બોલેરો જી-જે 25-જી 0788 રાત્રીના સમયે પેટ્રોલીંગમાં અથવા કોઇ અન્ય કારણોસર નીકળ્યો ત્યારે ત્રણ માઇલ નજીક પેટ્રોલપપથી થોડે આગળ નીકળ્યો ત્યારે કોઇ કારણોસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં પોલીસના બોલેરો વાહનને ખૂબ મોટુ નુકશાન થયુ હતુ અને આગળના ભાગેથી તેનો કડુસલો બોલી ગયો હતો. ડ્રાયવીંગ સીટનો આગળનો કાચ ફૂટી ગયો હતો તથા ફ્રેમ પણ બહાર નીકળી ગઇ હતી તથા બોનેટ તથા આગળનું વ્હીલ પણ ભાંગી ગયા હતા. અકસ્માતના આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસમથકમાં પૂછપરછ કરવામાં આવતા ત્યાં વિધિવત રીતે કોઇ જ વિગતો જાહેર થઇ નહી હોવાનું સામે આવ્યુ છે.
બોલેરોના અકસ્માતના ઘટનાસ્થળની તપાસ કરતા ડીવાઇડર ટપીને ટ્રક જેવા ભારે વાહન સાથે અથડાયો હોવાની શકયતા દેખાઇ રહી છે આમ છતાં આ મુદ્ે પોલીસમાં કોઇ જ માહિતી જાહેર થઇ નથી. હાઇવેના ડીવાઇડર ઉપર વાવેવા ટ્રીગાર્ડનો પણ સોથ વળી ગયેલો નજરે ચડયો હતો. જ્યાં અકસ્માત થયો છે તેની બાજુમાં જ હોટલ છે તેથી સી.સી.ટી.વી. કેમેરાના આધારે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો પૂરતી વિગતો પોલીસને મળી શકે તેમ છે. અકસ્માતના આ બનાવમાં કોઇને ઇજા થઇ હોય તેવુ પણ પોલીસ ચોપડે જાહેર થયુ નથી.